ચોથા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટે ૨૪૯ રન ફટકારીને વિદર્ભે કેરલા સામે ૨૮૬ રનની લીડ મેળવી : રણજી ટ્રોફીનું ત્રીજું ટાઇટલ જીતવાની નજીક પહોંચ્યું
નાગપુરમાં પહેલી ઇનિંગ્સમાં ૮૬ રને આઉટ થનાર વિદર્ભનો કરુણ નાયર બીજી ઇનિંગ્સમાં ૧૩૨ રને રમી રહ્યો છે.
રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની ફાઇનલ મૅચનો આજે પાંચમો અને નિર્ણાયક દિવસ છે. પહેલી ઇનિંગ્સમાં વિદર્ભના ૩૭૯ રન સામે કેરલાએ ૩૪૨ રન બનાવ્યા હતા. ગઈ કાલે ચોથા દિવસના અંતે વિદર્ભે બીજી ઇનિંગ્સમાં ૪ વિકેટે ૨૪૯ રન ફટકારીને ૨૮૬ રનની જંગી લીડ મેળવી લીધી છે. હજી કેરલાની બીજી ઇનિંગ્સ અને રમતમાં ૯૦ ઓવર બાકી છે. જો મૅચ ડ્રૉ પણ રહેશે તો પહેલી ઇનિંગ્સની ૩૭ રનની લીડના આધારે વિદર્ભ વિજેતા જાહેર થશે. ટૂંકમાં પહેલી ઇનિંગ્સની ૩૭ રનની લીડ અને બીજી ઇનિંગ્સમાં મેળવેલા પ્રભુત્વના આધારે વિદર્ભ રણજી ટ્રોફીમાં ત્રીજી વાર ચૅમ્પિયન બનવાની નજીક છે.
વિદર્ભના કરુણ નાયરે ૨૮૦ બૉલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૩૨ અણનમ રન બનાવ્યા હતા. આ સ્ટાર બૅટરે ૨૦૨૪-’૨૫ની ડોમેસ્ટિક સીઝનમાં વિજય હઝારે ટ્રોફીની પાંચ અને રણજી ટ્રોફીની ચાર સહિત કુલ ૯ સેન્ચુરી ફટકારીને ફરી એક વાર નૅશનલ સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે. સેન્ચુરી બાદ તેણે પોતાની હેલ્મેટ ઉતારીને અને ડ્રેસિંગ રૂમ તરફ પોતાનું બૅટ બતાવીને આ ઉજવણી કરી હતી સાથે જ પોતાની આંગળીઓથી ૯ સદી તરફ ઇશારો કર્યો હતો.

