ચોથી T20માં ન્યુ ઝીલૅન્ડના ૨૨૧ રનના ટાર્ગેટ સામે ૧૦૫ રનમાં પાકિસ્તાન ધરાશાયી થઈ ગયું, ૧૧૫ રને સૌથી મોટી જીત નોંધાવી ૩-૧થી સિરીઝમાં લીડ મેળવી
ફિન એલને ૨૦ બૉલમાં ૫૦ રન ફટકાર્યા હતા.
૨૦૨૦ અને ૨૦૨૪માં પણ T20 સિરીઝ કિવી ટીમ જીતી હતી, પાકિસ્તાને ૨૦૧૮ બાદ ન્યુ ઝીલૅન્ડ સામે T20 સિરીઝ ન જીતવાનો સિલસિલો જાળવી રાખ્યો
પાંચ મૅચની T20 સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડે ચોથી મૅચ ૧૧૫ રને જીતીને ૩-૧થી સિરીઝમાં લીડ મેળવી લીધી છે. ૬ વિકેટના નુકસાન સાથે યજમાન ટીમે ૨૨૦ રન બનાવ્યા હતા. ૨૨૧ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાન ૧૬.૨ ઓવરમાં ૧૦૫ રન બનાવીને ઑલઆઉટ થયું હતું. કિવી ટીમે પહેલી બે મૅચ જીત્યા બાદ ત્રીજી મૅચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
ફિન એલને ૨૦ બૉલમાં ૬ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી પોતાના ૫૦ રન ફટકારીને ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. ટિમ સીફર્ટ (બાવીસ બૉલમાં ૪૪ રન) સાથે પ્રથમ વિકેટ માટે ૪.૧ બૉલમાં ૫૯ રનની ભાગીદારી કરી હતી. કિવી ટીમે પાકિસ્તાન સામે પાવર-પ્લેમાં સૌથી મોટો ૭૯/૧ સ્કોર નોંધાવ્યો હતો. કૅપ્ટન માઇકલ બ્રેસવેલે અંતિમ ઓવર્સમાં ૨૬ બૉલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ ૪૬ રન કરીને ટીમનો સ્કોર ૨૦૦ને પાર પહોંચાડ્યો હતો. પાકિસ્તાન તરફથી હારિસ રઉફ (૨૭ રનમાં ત્રણ વિકેટ) સૌથી સફળ રહ્યો હતો.
કિવી ટીમના ફાસ્ટ બોલર જેકબ ડફી (૨૦ રનમાં ચાર) અને ઝકારી ફૌલ્કેસ (પચીસ રનમાં ત્રણ વિકેટ)ની ધમાકેદાર બોલિંગને કારણે પાકિસ્તાની ટીમે ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી વાર ૧૦૦ પ્લસ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન તરફથી ઇરફાન ખાન (૧૬ બૉલમાં ૨૪ રન) અને અબ્દુલ સમદે (૩૦ બૉલમાં ૪૪ રન) જ ડબલ ડિજિટની ઇનિંગ્સ રમી હતી.
પાકિસ્તાનનો ૨૦૧૦નો કયો રેકૉર્ડ તોડ્યો કિવીઓએ?
બન્ને ટીમ વચ્ચેના T20 ઇતિહાસમાં પાકિસ્તાને (૧૦૩ રન) ડિસેમ્બર ૨૦૧૦માં એક માત્ર ૧૦૦ પ્લસ રનની જીત નોંધાવી હતી. કિવીઓએ તેમનો આ રેકૉર્ડ તોડીને ૧૧૫ રનથી સૌથી મોટી જીત મેળવી છે. પાકિસ્તાન સામે આ તેમની પહેલી ૧૦૦ પ્લસ રનની જીત છે. કિવી સામે સૌથી મોટી હાર સાથે પાકિસ્તાને (૨૦૨૦, ૨૦૨૪, ૨૦૨૫) ન્યુ ઝીલૅન્ડની ધરતી પર સળંગ ત્રીજી વાર T20 સિરીઝ ગુમાવી છે. પાકિસ્તાની ટીમ છેલ્લે ૨૦૧૮માં ન્યુ ઝીલૅન્ડ સામે આ ફૉર્મેટની સિરીઝ જીતી હતી ત્યારથી ૨૦૨૪ સુધીમાં રમાયેલી બે સિરીઝ કિવી ટીમે જીતી હતી, જ્યારે બે સિરીઝ ડ્રૉ રહી હતી.

