ભારતના બૅટિંગ કોચ સિતાંશુ કોટક કહે છે, ‘ઈશાન કિશન લગભગ એક મૅચ માટે ઉપલબ્ધ નહીં હોય. સ્વાભાવિક રીતે જ બૅટર તરીકે વૈભવ સૂર્યવંશીનો વિચાર કરવામાં આવશે. તે ચોક્કસપણે એવા મજબૂત ખેલાડીઓમાંથી એક છે જે રમી શકે છે.’
ઈશાન કિશન, વૈભવ સૂર્યવંશી
ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી મૅચ રેકૉર્ડ-બ્રેક રન-ચેઝ સાથે જીતનાર ટીમ ઇન્ડિયા પાંચ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ છે. આજે ક્રાઇસ્ટચર્ચમાં જ બન્ને ટીમો વચ્ચે બીજી T20 મૅચ રમાશે. જોકે ભારતીય વિકેટકીપર-બૅટર ઈશાન કિશન આ મૅચમાંથી બહાર થઈ ગયો છે.
જાંઘના ઉપરના ભાગના સ્નાયુઓની ઇન્જરીને કારણે તે બીજી T20 મૅચમાં રમી શકશે નહીં. ત્રીજા ક્રમના બૅટરના ખાલી પદને કારણે પ્લેઇંગ ઇલેવનમાં વૈભવ સૂર્યવંશીની વાપસીની સંભાવના વધી છે.
ADVERTISEMENT
ભારતના બૅટિંગ કોચ સિતાંશુ કોટક કહે છે, ‘ઈશાન કિશન લગભગ એક મૅચ માટે ઉપલબ્ધ નહીં હોય. સ્વાભાવિક રીતે જ બૅટર તરીકે વૈભવ સૂર્યવંશીનો વિચાર કરવામાં આવશે. તે ચોક્કસપણે એવા મજબૂત ખેલાડીઓમાંથી એક છે જે રમી શકે છે.’
ક્રાઇસ્ટચર્ચમાં છેલ્લે માર્ચ ૨૦૨૫માં જીત્યા હતા કિવીઓ
ગુરુવારે ભારતીય ટીમ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલમાં પહેલી વખત T20 મૅચ રમી હતી અને શાનદાર જીત નોંધાવી હતી. યજમાન ન્યુ ઝીલૅન્ડ આ મેદાનમાં માર્ચ ૨૦૨૫માં પાકિસ્તાન સામે છેલ્લી વખત જીત્યું હતું. ત્યાર પછીની એક મૅચ નો-રિઝલ્ટ રહી અને અન્ય ત્રણ મૅચમાં કિવીઓને હાર મળી હતી. ન્યુ ઝીલૅન્ડ આ મેદાન પર ૧૪ મૅચમાંથી ૬ T20 મૅચ જીત્યું છે.
પહેલી વખત સૉનિક ટેક્નોલોજીનો થઈ રહ્યો છે ઉપયોગ
ભારત-ન્યુ ઝીલૅન્ડ સિરીઝ દરમ્યાન સૉનિક નામની એડ્જ-ડિટેક્શન ટેક્નૉલૉજીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ન્યુ ઝીલૅન્ડ સ્થિત કંપની વર્ચ્યુઅલ આઇ દ્વારા વિકસાવવામાં આવેલી સોનિક ટેક્નૉલૉજી અદ્યતન ઑડિયો-વિશ્ળેષણનો ઉપયોગ કરે છે. DRS રિવ્યુ દરમ્યાન બૉલ બૅટને સ્પર્શ્યો છે કે નહીં એ નક્કી કરવામાં આ ટેક્નૉલૉજી થર્ડ અમ્પાયરને વધુ સારી રીતે મદદ કરે છે. ICC અને BCCIના સહયોગથી આ ટેક્નૉલૉજીનું વ્યાપક પરીક્ષણ અને સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
