વિમેન્સ વર્લ્ડ કપ અને વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાં વધુ ટીમનો સમાવેશ
મહિલા ક્રિકેટ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા ક્રિકેટ જગતને ભેટ આપતાં વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હવે વધારે ટીમને રમાડવાનો નિર્ણય લીધો છે. આ વિસ્તરણ ૨૦૨૩ની સાલ પછી કરવામાં આવશે જેને લીધે ૨૦૨૬થી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ અને વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં વધુ ટીમ રમતી જોવા મળશે.
આઇસીસીના માળખામાં સુધારો
ADVERTISEMENT
આઇસીસીએ પોતાના માળખામાં સુધારો કરતાં ૨૦૨૯ વિમેન્સ વર્લ્ડ કપમાં ૧૦ ટીમ વચ્ચે ૪૮ મૅચ રમાડવાનો નિર્ધાર કર્યો છે. હાલના માળખામાં ૮ ટીમ વચ્ચે ૩૧ મૅચ રમાડવામાં આવે છે અને આ માળખું ૨૦૨૫ વર્લ્ડ કપ સુધી યથાવત્ રહેશે. નોંધનીય છે કે ૨૦૨૪થી ૨૦૩૦ વચ્ચે ચાર વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ રમાવાના છે, જેમાં ૨૦૨૪ની ટુર્નામેન્ટ નિયમિત માળખા મુજબ જ યોજાશે (જેમ કે ૧૦ ટીમ વચ્ચે ૨૪ મૅચ). જોકે ૨૦૨૬થી આ ટુર્નામેન્ટમાં ૧૨ ટીમો વચ્ચે ૩૩ મૅચનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આઇસીસી ૨૦૨૭ અને ૨૦૩૧માં વિમેન્સ ટી૨૦ ચૅમ્પિયન્સ કપ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું વિચારી રહી છે જેમાં ૬ ટીમ વચ્ચે ૧૬ મૅચ રમાશે.
શું કહ્યું આઇસીસીએ?
આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ મનુ સાહનીનું કહેવું છે કે ‘છેલ્લાં ચાર વર્ષથી અમે ગ્લોબલ બ્રૉડકાસ્ટ કવરેજ અને માર્કેટિંગની મદદથી વિમેન્સ ક્રિકેટના ચાહકોને જોડવાનું કામ કરી રહ્યા છીએ. આ રમતને લઈને અમારી યોજના એકદમ સચોટ અને લાંબા ગાળાની છે. અમારી આ યોજનાનું પરિણામ પણ જોવા મળ્યું છે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૦ને કુલ ૧.૧ અબજ લોકોએ નિહાળી હતી જે વિમેન્સ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધારે લોકો દ્વારા જોવાયેલી ઇવેન્ટ બની હતી. મેલબર્ન ગ્રાઉન્ડમાં ૮૬,૧૭૪ લોકોએ આ મૅચ લાઇવ જોઈ હતી.’


