IPL 2025નો ઓલ્ડેસ્ટ પ્લેયર એમ. એસ. ધોની કહે છે...
ધોનીએ ૦.૧૨ સેકન્ડના રીઍક્શન ટાઇમમાં સૂર્યાને સ્ટમ્પિંગ આઉટ કર્યો.
IPLની ૧૮મી સીઝનના ઓલ્ડેસ્ટ પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીએ એક ઇન્ટરવ્યુમાં T20 ક્રિકેટ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી અને પ્રાદેશિક ભાષાની કૉમેન્ટરી વિશે કમેન્ટ કરી હતી. ૪૩ વર્ષનો ધોની કહે છે, ‘બૅટર્સ હવે જોખમ લેવા માટે તૈયાર છે. હું અન્ય પ્લેયર્સથી અલગ નથી. તમારે સુસંગત રહેવાનો પ્રયાસ કરવો પડશે. ૨૦૦૮માં અમે જે રીતે T20 રમ્યા હતા અને ગયા વર્ષે IPLમાં અમે જે રીતે રમ્યા એમાં ઘણો તફાવત હતો. પહેલાં વિકેટો ઘણી ટર્ન લેતી હતી, પણ હવે ભારતમાં વિકેટો પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ છે. એ બૅટ્સમૅન માટે વધુ અનુકૂળ છે.’
ચેન્નઈ સુપર કિંગ્સમાં તેનો કૅપ્ટન્સીનો વારસો સંભાળનાર ઋતુરાજ ગાયકવાડ વિશે ધોની કહે છે, ‘તે લાંબા સમયથી અમારી ટીમનો ભાગ છે. તેનો સ્વભાવ ખૂબ જ સારો છે, તે ખૂબ જ શાંત અને ધીરજવાન છે એટલા માટે અમે તેને કૅપ્ટન તરીકે પસંદ કર્યો છે. મેં તેને સ્પષ્ટ કહ્યું છે કે હું સલાહ આપીશ, પણ એનો અર્થ એ નથી કે તારે એનું પાલન કરવું પડશે. હું શક્ય એટલો દૂર રહેવાનો પ્રયાસ કરીશ. ઘણા લોકો માનતા હતા કે હું પડદા પાછળ રહીને નિર્ણયો લઈ રહ્યો છું, પરંતુ સત્ય એ છે કે ગાયકવાડ ૯૯ ટકા નિર્ણયો લઈ રહ્યો છે.’
ADVERTISEMENT
ગુજરાતી સહિત ૧૨ ભાષામાં થઈ રહેલી IPL કૉમેન્ટરી વિશે ધોની કહે છે, ‘મેં બહુ પ્રાદેશિક કૉમેન્ટરી સાંભળી નથી, પણ હું જાણું છું કે બિહારી (ભોજપુરી) કૉમેન્ટરીમાં ઘણો જુસ્સો હોય છે. એ મને મારા સ્કૂલના દિવસોની રેડિયો કૉમેન્ટરીની યાદ અપાવે છે, જ્યાં કૉમેન્ટેટર્સ રમતમાં સંપૂર્ણપણે ડૂબી જતા હતા. મને એ ખૂબ જ રસપ્રદ લાગે છે.’
વિરાટ કોહલી વિશે ધોની કહે છે, ‘આ સંબંધ શરૂઆતમાં એક કૅપ્ટન અને એક યુવાન પ્લેયર વચ્ચે હતો, પરંતુ સમય જતાં અમે ખૂબ સારા મિત્રો બની ગયા છીએ. હવે અમે બન્ને કૅપ્ટન નથી અને એથી મૅચ પહેલાં વાત કરવા માટે અમને વધુ સમય મળે છે.’

