કલકત્તા સામે સીઝનની પહેલી ટક્કરમાં મુંબઈએ ૨૨૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૬ વિકેટે જીત મેળવી હતી
મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યા સાથે કલકત્તાનો કૅપ્ટન અજિંક્ય રહાણે.
IPL 2026ની ૬૫મી મૅચ આજે ઈડન ગાર્ડન્સમાં રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની સીઝનની પહેલી ટક્કરમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ૨૨૧ રનનો ટાર્ગેટ સેટ કર્યા છતાં ૬ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્લેઑફની રેસમાં અંતિમ સ્થાન માટે આશા જાળવી રાખવા કલકત્તાએ પોતાની છેલ્લી બન્ને મૅચ જીતવી પડશે. પંજાબ કિંગ્સ સામે છેલ્લી મૅચ જીતનાર મુંબઈ ૧૨ મૅચમાં ૪ જીત, ૮ હાર અને ૮ પૉઇન્ટ સાથે તળિયાની ટીમમાંની એક છે. ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી મૅચ જીતનાર કલકત્તા ૧૨ મૅચમાં પાંચ જીત, ૬ હાર, એક નો-રિઝલ્ટ મૅચને કારણે ૧૧ પૉઇન્ટ સાથે હજી પણ પ્લેઑફનું દાવેદાર છે. કારણ કે આગામી બન્ને મૅચ જીતશે તો કલકત્તાના ૧૫ પૉઇન્ટ થશે. ઈડન ગાર્ડન્સમાં મુંબઈ ૧૪ મૅચમાંથી ૧૦ મૅચ જીત્યું છે અને ૪ મૅચમાં હાર્યું છે. મુંબઈ આ મેદાન પર હોમ-ટીમ સામે ૧૧ મૅચ રમ્યું છે અને એમાંથી ૭ મૅચ મુંબઈ અને ૪ મૅચ કલકત્તા જીત્યું હતું. મુંબઈને આ મેદાન પર કલકત્તા સામે છેલ્લી જીત મે ૨૦૧૮માં મળી હતી. ત્યાર બાદ ૨૦૧૯ અને ૨૦૨૪ની બન્ને ટક્કરમાં મુંબઈને હોમ-ટીમ સામે હાર મળી હતી. કલકત્તાને હોમ-ગ્રાઉન્ડમાં ૧૦૦ મૅચમાંથી ૫૬માં જીત અને ૪૨માં હાર મળી છે. બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી. વર્તમાન સીઝનની પાંચ હોમ-મૅચમાંથી કલકત્તાને અંતિમ બે મૅચમાં જ જીત મળી છે. પહેલી ત્રણ મૅચમાંથી બે મૅચમાં હાર મળી હતી અને એક મૅચ વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી. કલકત્તા પોતાની અંતિમ મૅચ આ જ મેદાન પર ૨૪ મેએ દિલ્હી કૅપિટલ્સ સામે રમશે.
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
ADVERTISEMENT
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૩૬ |
|
મુંબઈની જીત |
૨૫ |
|
કલકત્તાની જીત |
૧૧ |
ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં મુંબઈ ટીમમાંથી ઇન્જર્ડ ક્વિન્ટન ડી કૉક અને રાજ બાવા આઉટ
મુંબઈ ઇન્ડિયન્સે લીગ સ્ટેજની અંતિમ બે મૅચ પહેલાં પોતાના બે પ્લેયર્સ ઇન્જરીને કારણે ગુમાવ્યા છે. વિકેટકીપર-બૅટર ક્વિન્ટન ડી કૉક ડાબા હાથના કાંડા અને ઑલરાઉન્ડર રાજ અંગદ બાવા જમણા હાથના અંગૂઠાની ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયા છે. મુંબઈ પ્લેઑફની રેસમાંથી પહેલાંથી જ બહાર થઈ ગયું છે. સાઉથ આફ્રિકાના ૩૩ વર્ષના ક્લિન્ટન ડી કૉકે સીઝનની ૩ મૅચમાં ૧૬૨.૯૬ના સ્ટ્રાઇક-રેટથી એક સદી ફટકારીને ૧૩૨ રન કર્યા હતા. ૨૩ વર્ષના રાજ અંગદ બાવાએ ૩ મૅચમાં ૧૬ રન કરીને બે વિકેટ લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સ IPL નિયમો અનુસાર ટૂંક સમયમાં રિપ્લેસમેન્ટ ખેલાડીઓનાં નામ જાહેર કરશે.
