સતત પાંચમી મૅચ હારનાર દિલ્હી માટે પ્લે-ઑફની રાહ કઠિન, બાકીની નવ પૈકી આઠ મૅચમાં જીતવું જ પડશે
બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઈ કાલે હાફ-સેન્ચુરી બાદ વિરાટ કોહલી અને મિચલ માર્શનો શાનદાર કૅચ વિરાટે પકડતાં ખુશ થયેલી અનુષ્કા શર્મા.
પોતાની પહેલી મૅચ રમી રહેલા સ્થાનિક ખેલાડી વિજયકુમાર વૈશાકે લીધેલી ત્રણ વિકેટ અને વિરાટ કોહલીની હાફ સેન્ચુરીના લીધે બૅન્ગલોરે ફરી વિજયપથ પર વાપસી કરતાં દિલ્હીને ૨૩ રનથી હરાવ્યું હતું. કોહલીની (૩૪ બૉલમાં ૫૦ રન) ચાર ઇનિંગ્સમાં ત્રીજી હાફ-સેન્ચુરી હતી, જેમાં તેણે છ બાઉન્ડરી અને એક સિક્સર ફટકારી હતી. જોકે દિલ્હીના સ્પિનર કુલદીપ યાદવે બૅન્ગલોરની બે વિકેટ ઝડપતાં રન ગતિ પર અંકુશ આવતાં તેઓ ૬ વિકેટે ૧૭૪ રન જ બનાવી શક્યા હતા. અગાઉ ચાર મૅચ હારીને પૉઇન્ટ ટેબલમાં સાવ તળિયે રહેલું દિલ્હી વિજય માટે ૧૭૫ રનના લક્ષ્યાંક સામે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૧ રન જ બનાવી શક્યું હતું.
દિલ્હીએ પાવર-પ્લેમાં ચાર વિકેટ ગુમાવી હતી, જેમાં કૅપ્ટન વૉર્નર (૧૯ રન)નો પણ સમાવેશ થાય છે. એક સમયે કુલ બે રનના સ્કોર પર જ ત્રણ વિકેટ ગુમાવી હતી. પાંચ મૅચમાં એક પણ વિજય ન મેળવી શકનાર દિલ્હીની હાલત હવે કફોડી છે. રિકી પોન્ટિંગ જેનો કોચ છે એવી આ ટીમે પ્લે-ઑફમાં સ્થાન મેળવવા માટે બાકીની નવ પૈકી આઠ મૅચમાં વિજય મેળવવાનો રહેશે. બીજી તરફ સતત બે મૅચ હારનાર બૅન્ગલોરના ચાર મૅચમાં હવે ચાર પૉઇન્ટ થયા છે. મિડિયમ પેસર વિજયકુમારને ઈજાગ્રસ્ત થયેલા કર્ણ શર્માના સ્થાન પર તક મળી હતી. તેણે સ્લો બૉલમાં વૉર્નરની વિકેટ ઝડપી હતી તેમ જ કુલ ૨૦ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ૨૬ વર્ષના ખેલાડીએ ફાસ્ટ બોલિંગમાં વિવિધતા દાખવીને અક્ષર પટેલ અને લલિત યાદવની વિકેટ ઝડપતાં ૧૬ ઓવરમાં દિલ્હીએ ૧૧૦ રનમાં ૮ વિકેટ ગુમાવી હતી. વૉર્નર સસ્તામાં આઉટ થયા બાદ મનીષ પાંડેએ ૩૭ બૉલમાં ૫૦ રન કરી એકલે હાથે સંઘર્ષ કર્યો હતો. શ્રીલંકાના સ્પિનર વનિન્દુ હસરંગાએ તેની વિકેટ લઈને દિલ્હીની હાર નિશ્ચિત કરી દીધી હતી.

ADVERTISEMENT
વિકેટની ઉજવણી કરતો બોલર વિજયકુમાર વૈશાક.
બૅન્ગલોરે કોહલી અને ગ્લેન મૅક્સવેલ રમતમાં હતા ત્યારે ૧૨ ઓવરમાં બે વિકેટે ૧૧૦ રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લી આઠ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને માત્ર ૬૪ રન જ ઉમેરી શક્યા હતા. લગ્ન બાદ પાછા ફરેલા મિચલ માર્શે બૅન્ગલોરના કૅપ્ટન ફેફ ડુ પ્લેસી અને મહિપાલ લોમરારની વિકેટ ઝડપી હતી.


