ટી૨૦ના કૅપ્ટને કહ્યું કે ગુજરાતના કોચ અને મારા ક્રિકેટને લઈને વિચારો એકસરખા જ છે, ભલે અમારું વ્યક્તિત્વ અલગ-અલગ હોય
India VS Sri Lanka
શનિવારે રાજકોટના સ્ટેડિયમમાં ચૅમ્પિયન્સ ટ્રોફી સાથે હાર્દિક પંડ્યા. અને આશિષ નેહરા સાથે હાર્દિક પંડ્યા
ભારતની ટી૨૦ ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ કૅપ્ટન તરીકેની તેની ક્ષમતામાં વધારો કરવાનું શ્રેય આઇપીએલની ગુજરાતની ટીમના કોચ આશિષ નેહરાને આપ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૧૭માં બ્રેબર્ન સ્ટેડિયમમાં પ્રવાસી ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ઇન્ડિયા ‘એ’ના કૅપ્ટન તરીકે એકમાત્ર મૅચનો અનુભવ ધરાવતા હાર્દિકને ગુજરાતની ટીમનો કૅપ્ટન બનાવાયો હતો. જોકે તેને તરત સફળતા મળી. પહેલી જ સીઝનમાં ગુજરાત આઇપીએલનું ચૅમ્પિયન બન્યું. ત્યાર બાદ રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિકને જ ટી૨૦નો કૅપ્ટન બનાવાયો છે. અત્યાર સુધી તેણે આઠ મૅચોમાં કૅપ્ટન્સી કરી છે; જે પૈકી છમાં વિજય, એકમાં પરાજય તથા એકનું પરિણામ આવ્યું નહોતું.
પંડ્યાએ કહ્યું કે ‘જુનિયર ક્રિકેટ લેવલમાં પણ મેં કૅપ્ટન્સી કરી નહોતી. અન્ડર-16માં હું બરોડાની ટીમનો કૅપ્ટન હતો. ત્યાર બાદ બધાને લાગ્યું કે મારે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ત્યારથી મેં કૅપ્ટન્સી કરી નહોતી, પરંતુ આશિષ નેહરા મારા જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવ્યા હતા. અમારું વ્યક્તિત્વ ઘણું અલગ છે, પરંતુ ક્રિકેટના અમારા વિચારોમાં ઘણી સમાનતા છે. નેહરા મારી સાથે હતા એથી મારી કૅપ્ટન્સીમાં સુધારો આવ્યો. મારામાં રમત પ્રત્યેની જાગૃતિ તો હતી, પરંતુ એક ખાતરી તથા વિશ્વાસ તેમણે આપ્યાં હતાં.’
ADVERTISEMENT
શનિવારે રમાયેલી મૅચમાં સૂર્યકુમાર યાદવની સેન્ચુરીને કારણે ભારતે ૫ વિકેટે ૨૨૮ રન કર્યા હતા. ત્યાર બાદ શ્રીલંકાને ૧૩૭ રનમાં જ ઑલઆઉટ કરી દીધું હતું.