વિદેશી ધરતી પર ૧૦૦ T20 મૅચ જીતનાર ભારતીય ટીમ પાકિસ્તાન બાદ બીજી
અર્શદીપ સિંહે ગઈ કાલે ડૅન્જરસ સાબિત થઈ રહેલા માર્કો યાન્સેનને છેલ્લી ઓવરના ત્રીજા બૉલે એલબીડબ્લ્યુ આઉટ કરીને ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. અર્શદીપે શાનદાર ત્રણ વિકેટ લીધી હતી.
૧૩ નવેમ્બરે સેન્ચુરિયનના મેદાન પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રોમાંચક ત્રીજી T20 મૅચ રમાઈ હતી. આ મૅચમાં ૧૧ રને જીત મેળવીને ભારતીય ટીમે ચાર મૅચની સિરીઝમાં ૨-૧થી લીડ મેળવી છે. તિલક વર્મા (૧૦૭ રન)ની પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરીની મદદથી ભારતીય ટીમે છ વિકેટે ૨૧૯ રનનો સ્કોર બનાવ્યો હતો જે સાઉથ આફ્રિકાના મેદાન પર તેમની સામે ભારતે ફટકારેલો સૌથી મોટો T20 સ્કોર છે. ભારતીય ટીમ વિરુદ્ધ ફાસ્ટેસ્ટ ૧૬ બૉલમાં ફિફ્ટી ફટકારીને માર્કો યાન્સેને (૫૪ રન) ટીમને જિતાડવાનો પ્રયત્ન કર્યો, પણ યજમાન ટીમ ૨૦૮ રન કરીને વિજયથી થોડીક દૂર રહી ગઈ હતી.
વિદેશની ધરતી પર ૧૦૦ T20 ઇન્ટરનૅશનલ મૅચ જીતનાર ભારતીય ટીમ પાકિસ્તાન બાદ બીજી બની હતી. પાકિસ્તાનના નામે વિદેશની ધરતી પર સૌથી વધુ ૧૧૬ T20 જીત છે. ભારતીય ટીમને વિદેશમાં ૧૫૨માંથી ૪૩ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બાકીની ૯ મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
ADVERTISEMENT
મૅચમાં ત્રણ વિકેટ લઈને ૩૭ રન આપનાર અર્શદીપ સિંહ આ ફૉર્મેટમાં હાઇએસ્ટ ૯૨ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. તેણે ભુવનેશ્વર કુમાર (૯૦ વિકેટ) અને જસપ્રીત બુમરાહ (૮૯ વિકેટ)ને આ મામલે પાછળ છોડ્યા હતા પણ ઓવરઑલ લિસ્ટમાં તે યુઝવેન્દ્ર ચહલ (૯૬ વિકેટ) બાદ બીજા ક્રમે છે. દુનિયાના હાઇએસ્ટ વિકેટટેકર બોલરોના લિસ્ટમાં પચીસ વર્ષનો અર્શદીપ પચીસમા ક્રમે છે.
દ્વિપક્ષીય T20 સિરીઝમાં ૧૦ વિકેટ લેનાર પહેલો ભારતીય બોલર બન્યો વરુણ
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ આ મૅચમાં ચાર ઓવરમાં ૫૪ રન આપીને બે વિકેટ ઝડપી હતી. તે એક T20 દ્વિપક્ષીય સિરીઝમાં ૧૦ કે એથી વધુ વિકેટ લેનાર ભારતનો પહેલો બોલર બન્યો છે. તેણે આ ચાર મૅચની સિરીઝમાં હમણાં સુધી ૧૧ વિકેટ ઝડપીને રવિચન્દ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈનો નવ-નવ વિકેટનો રેકૉર્ડ તોડ્યો છે. અશ્વિને ૨૦૧૬માં શ્રીલંકા સામે ત્રણ મૅચની સિરીઝમાં અને રવિ બિશ્નોઈએ ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે પાંચ મૅચની સિરીઝમાં નવ-નવ વિકેટ ઝડપી હતી.