ઈશાન કિશને ક્રિસ ગેઇલનો ૧૩૮ બૉલમાં બનેલી ડબલ સેન્ચુરીનો ૭ વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો હતો.
India vs Bangladesh
ઈશાન કિશન અને શિખર ધવન
શનિવારે બંગલાદેશના ચટગાંવમાં સિરીઝની અંતિમ વન-ડેમાં ભારતીય ટીમની આબરૂ સાચવતી જે આક્રમક અને ઐતિહાસિક ડબલ સેન્ચુરી વિકેટકીપર-બૅટર ઈશાન કિશને (૨૧૦ રન, ૧૩૧ બૉલ, ૧૬૯ મિનિટ, ૧૦ સિક્સર, ૨૪ ફોર) ફટકારી એ સાથે ભારતીય ક્રિકેટમાં ઓપનિંગના સ્થાન વિશે ચર્ચા થવા માંડી છે. ઈશાન કિશને ૧૨૬ બૉલમાં ૨૦૦ રન પૂરા કર્યા હતા અને વન-ડે વિશ્વમાં હવે ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી તેના નામે છે. તેણે ક્રિસ ગેઇલનો ૧૩૮ બૉલમાં બનેલી ડબલ સેન્ચુરીનો ૭ વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો હતો.
આ પણ વાંચો: ઈશાને લાજ રાખી
ADVERTISEMENT
ભારતે ૮ વિકેટે ૪૦૯ રન બનાવ્યા પછી બંગલાદેશની ટીમ ફક્ત ૧૮૨ રનમાં ઑલઆઉટ થઈ જતાં ભારતે ૨૨૭ રનના વિક્રમી તફાવતથી વિજય મેળવ્યો હતો. ઈશાન કિશને ધમાકેદાર ડબલ સેન્ચુરી કરીને ભારતીય ક્રિકેટના મોવડીઓને અને ખાસ કરીને ટીમ નક્કી કરનારાઓને વિચારતા કરી દીધા છે. ટૂંક સમયમાં રચાનારી નવી સિલેક્શન કમિટી ઘણા સમયથી આઉટ-ઑફ-ફૉર્મ રહેલા શિખર ધવનના ભાવિ પર ખાસ ચર્ચા કરશે. બીસીસીઆઇની થોડા દિવસમાં કોચ રાહુલ દ્રવિડ અને એનસીએના હેડ વીવીએસ લક્ષ્મણ સાથે બંગલાદેશના પ્રવાસ બાબતમાં સમીક્ષાને લગતી મીટિંગ યોજાવાની છે.