બે દિવસ પહેલાં સિડનીના સ્ટેડિયમના એક ગેટને સચિનનું નામ આપવામાં આવ્યું હતું.
શારજાહમાં હવે જોવા મળશે ‘સચિન તેન્ડુલકર સ્ટૅન્ડ’
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ સ્ટૅન્ડ હવે સચિન તેન્ડુલકર સ્ટૅન્ડ તરીકે ઓળખાશે. સોમવારે માસ્ટર બ્લાસ્ટરે ૫૦ વર્ષ પૂરાં કરીને ૫૧મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તે શારજાહમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમ્યો છે અને એને તેમ જ ખાસ કરીને ‘ડેઝર્ટ સ્ટોર્મ’ તરીકે જાણીતી તેની ઇનિંગ્સને પચીસ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે તેના નામના સ્ટૅન્ડની નામકરણવિધિ કરવામાં આવી હતી.
બે દિવસ પહેલાં સિડનીના સ્ટેડિયમના એક ગેટને સચિનનું નામ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સચિનને શારજાહથી નાની બક્ષિસ
શારજાહ સ્ટેડિયમના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) ખલાફ બુખાતીરે આ પ્રસંગે કહ્યું કે ‘સચિન તેન્ડુલકરે ક્રિકેટની રમતને બહુ મોટું યોગદાન આપ્યું છે અને એની સામે આભાર વ્યક્ત કરવા અમે આ નાનું કાર્ય કરી રહ્યા છીએ. પચીસ વર્ષ પહેલાં સચિન શારજાહમાં બેમિસાલ ઇનિંગ્સ રમ્યો હતો જેનું ફાઇનલમાં પુનરાવર્તન થયું હતું.’
સચિને શારજાહમાં ૭ ઓડીઆઇ સેન્ચુરી ફટકારી હતી. એમાંની બે સદી (ટ્વિન સેન્ચુરી) એપ્રિલ, ૧૯૯૮માં ઑસ્ટ્રેલિયા સામે ઉપરાઉપરી બે મૅચમાં ફટકારાઈ હતી. બાવીસમી એપ્રિલે કોકા કોલા કપમાં સચિન (૧૪૩ રન, ૧૩૧ બૉલ, ૧૮૭ મિનિટ, પાંચ સિક્સર, નવ ફોર)ની ઇનિંગ્સ છતાં મોહમ્મદ અઝહરુદ્દીનના સુકાનમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે ૨૬ રનથી પરાજય થયો હતો. જોકે બે દિવસ પછી ઑસ્ટ્રેલિયા સામેની જ ફાઇનલમાં સચિને (૧૩૪ રન, ૧૩૧ બૉલ, ૧૯૫ મિનિટ, ત્રણ સિક્સર, બાર ફોર) ફરી સદી ફટકારી હતી અને ભારતે ૨૭૩ રનનો ટાર્ગેટ ૪૮.૩ ઓવરમાં ૪ વિકેટના ભોગે મેળવી લીધો હતો. સચિનને મૅન ઑફ ધ ફાઇનલ અને મૅન ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ મળ્યો હતો. ત્યારથી સચિનની એ બે ઇનિંગ્સ ‘ડેઝર્ટ સ્ટૉર્મ’ તરીકે ઓળખાય છે.
શારજાહને દિલમાં ખાસ સ્થાન : સચિન
સચિને ગઈ કાલે સંદેશામાં જણાવ્યું હતું કે ‘ડેઝર્ટ સ્ટૉર્મ મૅચની પચીસમી ઍનિવર્સરી અને મારા ૫૦મા જન્મદિન નિમિત્તે મને આ જે સુંદર શુભેચ્છા આપવામાં આવી એ બદલ સીઈઓ બુખાતીરનો ખૂબ-ખૂબ આભાર. મને આ પ્રસંગે શારજાહમાં ઉપસ્થિત રહેવાની ખૂબ ઇચ્છા હતી, પણ અગાઉથી કેટલાક કાર્યક્રમ નક્કી થયા હોવાથી હું હાજર ન રહી શક્યો. શારજાહમાં રમવાનો અનુભવ હંમેશાં યાદગાર રહ્યો છે. મને શારજાહમાં જે પ્રેમ, લાગણી અને સપોર્ટ મળ્યાં એ કારણસર મારા માટે આ સ્ટેડિયમ હંમેશાં સ્પેશ્યલ રહ્યું છે.’


