મૅચનો સમય સાંજે ૬.૩૦ વાગ્યાથી
વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (ડાબે) અને કૅપ્ટન હરમનપ્રીત કૌરની બૅટિંગની આજે કેપ ટાઉનમાં પરીક્ષા છે. લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવે (એકદમ જમણે) રવિવારે ૨૧ રનમાં પાકિસ્તાનની બે વિકેટ લીધી હતી.
રવિવારે વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન સામે ૬ બૉલ બાકી રાખીને ૭ વિકેટના તફાવતથી વિજય અપાવનાર હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની આજે કેપ ટાઉનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ગ્રુપ-2ની બીજી મૅચ રમશે અને એમાં ભારતીય પ્લેયર્સના પર્ફોર્મન્સમાં વધુ સુધારો જોવા મળી શકે. એક કારણ એ છે કે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યા બાદ વિમેન ઇન બ્લુ જબરદસ્ત જોશમાં છે, સોમવારે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) માટે જે ઑક્શન થયું એમાં ભારતીય ટીમની મોટા ભાગની ખેલાડીઓએ એક સીઝન માટેનો ૧.૦૦ કરોડ રૂપિયાથી લઈને ૩.૪૦ કરોડ રૂપિયા સુધીનો કૉન્ટ્રૅક્ટ મેળવ્યો હોવાથી તેમનો ઉત્સાહ અનેકગણો વધી ગયો છે.
સોમવારના ઑક્શનની ટૉપર ઓપનર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર, ૩.૪૦ કરોડ રૂપિયા) રવિવારે હાથની આંગળીની ઈજાને કારણે પાકિસ્તાન સામેની મૅચમાં નહોતી રમી એમ છતાં ભારતે ટી૨૦માં હાઇએસ્ટ સફળ ચેઝ નોંધાવ્યો હતો. કૅપ્ટન હરમનપ્રીત કૌર (મુંબઈ ઇન્ડિયન્સ, ૧.૮૦ કરોડ રૂપિયા), શેફાલી વર્મા (દિલ્હી કૅપિટલ્સ, ૨.૦૦ કરોડ રૂપિયા), રિચા ઘોષ (રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર, ૧.૯૦ કરોડ રૂપિયા), યાસ્તિકા ભાટિયા (મુંબઈ ઇન્ડિયન્સ, ૧.૫૦ કરોડ રૂપિયા), દીપ્તિ શર્મા (યુપી વૉરિયર્ઝ, ૨.૬૦ કરોડ રૂપિયા), રવિવારની મૅચ-વિનર જેમાઇમા રૉડ્રિગ્સ (દિલ્હી કૅપિટલ્સ, ૨.૨૦ કરોડ રૂપિયા), રેણુકા સિંહ (રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર, ૧.૫૦ કરોડ રૂપિયા) વગેરે પ્લેયર્સની આજે વેસ્ટ ઇન્ડીઝ સામે ખરી કસોટી થશે, કારણ કે આજે જીતીને ભારતીય ટીમને સેમી ફાઇનલની દિશામાં આગળ વધવાનો સારો મોકો છે.
ADVERTISEMENT
ભારતે બોલિંગમાં સુધારો કરવો પડશે, કારણ કે પાકિસ્તાનની બૅટર્સ છેલ્લી ૧૦ ઓવરમાં ૯૧ રન બનાવી શકી હતી. દરેક ભારતીય બોલરનો ઇકૉનૉમી-રેટ ૫.૨૫થી ૯.૭૫ વચ્ચેનો ઊંચો હતો. ભારતે બૅટિંગ પણ સુધારવી પડશે. ૧૮મી ઓવરમાં વિકેટકીપર-બૅટર રિચા ઘોષે ઉપરાઉપરી ત્રણ ફોર ન ફટકારી હોત તો ભારતીય ટીમે કદાચ ૧૪૯ રનનો લક્ષ્યાંક પાર ન કર્યો હોત.
જેમ રવિવારે ભારત સામે પાકિસ્તાનનો ૭ વિકેટે પરાજય થયો એમ વેસ્ટ ઇન્ડીઝે શનિવારે ઇંગ્લૅન્ડ સામે ૭ વિકેટના માર્જિનથી હાર જોવી પડી હતી. એ હારના આઘાતમાંથી બહાર આવવા આજે હૅલી મૅથ્યુઝના સુકાનમાં કૅરિબિયન ટીમ કોઈ કસર બાકી નહીં રાખે એટલે ભારતીય ટીમે ખાસ સજાગ રહેવું પડશે.
જેમાઇમા અને રિચાના રૅન્કમાં સુધારો
રવિવારે વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન સામે આસાન વિજય અપાવનાર બૅટર જેમાઇમા રૉડ્રિગ્સ અને વિકેટકીપર-બૅટર રિચા ઘોષના રૅન્કમાં સુધારો થયો છે. જેમાઇમા ૧૩ પરથી ૧૧ નંબર પર અને રિચા ૪૨ પરથી ૩૬મા સ્થાને આવી ગઈ છે. જેમાઇમાએ પાકિસ્તાન સામે અણનમ બાવન રન અને રિચાએ અણનમ ૩૧ રન બનાવ્યા હતા. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના ઈજાને કારણે એ મૅચમાં નહોતી રમી એમ છતાં તે ટી૨૦ બૅટર્સમાં ત્રીજા નંબરે છે. ઓપનિંગ બૅટર શેફાલી વર્માએ પણ ૧૦મું સ્થાન જાળવી રાખ્યું છે.
150
રવિવારે ભારતીય મહિલા ટીમે આટલા રનનો ટી૨૦ વર્લ્ડ કપનો સેકન્ડ-હાઇએસ્ટ સફળ ચેઝ નોંધાવ્યો હતો. ઇંગ્લૅન્ડનો ૧૬૪ રનના ઑસ્ટ્રેલિયા સામેના ચેઝનો વિશ્વવિક્રમ છે.
14
વેસ્ટ ઇન્ડીઝની મહિલા ટીમ ટી૨૦માં લાગલગાટ આટલી મૅચ હારી છે. હરમનપ્રીતની ટીમે આજે પરાજયની એ પરંપરા આગળ વધારવાની છે.

