તે ટી૨૦માં ૧૦૦ વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા બોલર બની છે
દીપ્તિ શર્મા
ભારતે ગઈ કાલે કેપ ટાઉનમાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝને છ વિકેટે હરાવી દીધું હતું. પાકિસ્તાન સામેની શાનદાર જીત બાદ હરમનપ્રીત કૌર (૩૩, ૪૨ બૉલ, ત્રણ ફોર)ની ટીમની આ સતત બીજી જીત હતી. રિચા ઘોષ (૪૪ અણનમ, ૩૨ બૉલ, પાચ ફોર) તેમ જ શેફાલી વર્મા (૨૮ રન, ૨૩ બૉલ, પાંચ ફોર)નું પણ મોટું યોગદાન હતું. સ્મૃતિ મંધાના (૧૦ રન, સાત બૉલ, બે ફોર)નો જીતમાં ફાળો ધાર્યા કરતાં ઘણો ઓછો હતો. વેસ્ટ ઇન્ડીઝે બૅટિંગ લઈને ૬ વિકેટે ૧૧૮ રન બનાવ્યા બાદ ભારતે ૪ વિકેટે ૧૧૯ રન બનાવી લીધા હતા.
એ પહેલાં ભારતની ઑફ-સ્પિનિંગ ઑલરાઉન્ડર અને વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) માટે યુપી વૉરિયર્સે ૨.૬૦ કરોડ રૂપિયામાં મેળવેલી દીપ્તિ શર્માએ અનેરી સિદ્ધિ મેળવી હતી. તે ટી૨૦માં ૧૦૦ વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા બોલર બની છે. તેણે ૧૫ રનમાં ૩ વિકેટ લીધી હતી. તેના તરખાટને કારણે જ કૅરિબિયન ટીમ ૬ વિકેટે માત્ર ૧૧૮ રન બનાવી શકી હતી. રેણુકા અને પૂજા વસ્ત્રાકરે એક-એક વિકેટ લીધી હતી. દીપ્તિએ એક ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેણે ૧૦૦મી વિકેટ લઈને પૂનમ યાદવનો ૯૮ વિકેટનો વિક્રમ તોડ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની અનિસા મોહમ્મદ ૧૨૫ વિકેટ સાથે મોખરે છે.

