જે લોકોએ વધુ કંઈ જ હાંસલ કર્યું નથી તેઓ કોહલી-રોહિતના ભવિષ્ય વિશે નિર્ણય લઈ રહ્યા છે એ દુર્ભાગ્યપૂર્ણ છે
હરભજન સિંહ
ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ વર્ષે ટેસ્ટ-ફૉર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યાર બાદ તેમનું ભવિષ્ય સતત અટકળોનો વિષય રહ્યું છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ઇન્ટરનૅશનલ છોડનાર બન્ને અનુભવી ક્રિકેટર વન-ડે ફૉર્મેટ જ રમી રહ્યા છે, પણ ટીમ મૅનેજમેન્ટે સ્પષ્ટ જવાબ આપ્યો નથી કે શું આ જોડી ૨૦૨૭માં યોજાનારા આગામી વન-ડે વર્લ્ડ કપ માટે તેમની યોજનાઓનો ભાગ છે કે નહીં.
આ વિશે વાત કરતાં ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે કહ્યું હતું કે ‘આ અમારી સમજની બહાર છે. હું કદાચ જવાબ આપી શકતો નથી, કારણ કે હું પોતે એક ખેલાડી રહ્યો છું. આવી ઘટના મારી અને સાથી-પ્લેયર્સ સાથે પણ બની છે. અમે એના વિશે વાત કરતા નથી કે એની ચર્ચા કરતા નથી. જ્યારે હું વિરાટ કોહલી જેવા ખેલાડીને જોઉં છું જે હજી પણ મજબૂત રીતે રમી રહ્યો છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. જે લોકોએ વધુ કંઈ હાંસલ કર્યું નથી તેઓ રોહિત અને વિરાટ જેવા મહાન પ્લેયર્સના ભવિષ્ય વિશે નિર્ણય લઈ રહ્યા છે એ થોડું દુર્ભાગ્યપૂર્ણ છે.’
ભજ્જીએ વધુમાં કહ્યું હતું કે ‘તેમણે હંમેશાં રન બનાવ્યા છે અને હંમેશાં ભારત માટે મહાન ખેલાડીઓ રહ્યા છે. તેમણે બૅટ્સમેન તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમના લીડર છે. હું તેમના માટે ખૂબ જ ખુશ છું. તેઓ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે. તેઓ આગામી પેઢી માટે અનુસરવા અને ચૅમ્પિયન બનવા માટે શું જરૂરી છે એ માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે.’
રોહિત-વિરાટ જ્યાં સુધી ટીમમાં યોગદાન આપશે ત્યાં સુધી એજ ઇઝ જસ્ટ અ નંબર : ટિમ સાઉધી
ADVERTISEMENT
ગૌતમભાઈ આપ કોચ હો. આપ કિસીકો મત રોકો. સ્પેશલી Ro-Ko (રોહિત-વિરાટ) કો મત રોકો. - ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્ત
ન્યુ ઝીલૅન્ડનો હાઇએસ્ટ વિકેટટેકર બોલર ટિમ સાઉધી માને છે કે ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલી અને રોહિત શર્મા આગામી વન-ડે વર્લ્ડ કપ રમી શકે છે. ન્યુ ઝીલૅન્ડનો આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કહે છે, ‘કોહલી કદાચ અત્યાર સુધીનો શ્રેષ્ઠ વન-ડે બૅટ્સમૅન છે. રોહિતે તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં પણ સદી ફટકારી હતી તેથી તે બન્ને સારું પ્રદર્શન કરી રહ્યા છે. જો તેઓ હજી પણ સારું પ્રદર્શન કરી રહ્યા હોય તો વર્લ્ડ કપ સુધી રમવું જ જોઈએ. જ્યાં સુધી તેઓ ટીમમાં યોગદાન આપતા રહે છે ત્યાં સુધી ઉંમર ફક્ત એક સંખ્યા છે.’
હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત આગરકરની યંગ ક્રિકેટર્સને વધુ રમાડવાની નીતિને કારણે આ બન્ને સિનિયર પ્લેયરનું વર્લ્ડ કપ સુધી રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. જોકે ૩૭ વર્ષનો વિરાટ કોહલી અને ૩૮ વર્ષનો રોહિત શર્મા વન-ડે ફૉર્મેટમાં શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ફૉર્મ જાળવી રાખવા અને ફિટનેસ સાબિત કરવા આ બન્ને અનુભવી ક્રિકેટરો આગામી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં રમવા ઊતરશે એવા અહેવાલ મળી રહ્યા છે.


