ઑસ્ટ્રેલિયન ટીમ પર અકળાયા ઍલન બૉર્ડર
ઍલન બૉર્ડર, વિરાટ કોહલી
જેમના નામથી બૉર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ તેવા ક્રિકેટરમાંના એક ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મિડલ ઑર્ડર બૅટર ઍલન બૉર્ડરે વિરાટ કોહલીની સેન્ચુરી પર નિરાશા વ્યક્ત કરી હતી. એક રેડિયો-શોમાં તેમણે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયન ટીમે જે રીતે કોહલીને પ્રતિકાર કર્યા વિના સેન્ચુરી ફટકારવા દીધી એનાથી હું નિરાશ છું. અમે નથી ઇચ્છતા કે આ છોકરો (કોહલી) આખી સિરીઝમાં આત્મવિશ્વાસ સાથે રમે. ટીમના કૅપ્ટન પૅટ કમિન્સે ન્યુ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની સિરીઝમાં સંઘર્ષ કરનાર કોહલીને તેનો લય પાછો મેળવવાની તક આપી.’
પર્થ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં કોહલીએ ૧૨ બૉલમાં પાંચ રન કર્યા પછી બીજી ઇનિંગ્સમાં ૧૪૩ બૉલમાં ૧૦૦ રન ફટકાર્યા હતા.
ADVERTISEMENT
મૅથ્યુ હેડનના મતે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે શું ભૂલ કરી?
ઑસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન મૅથ્યુ હેડને શૉર્ટ બૉલ નાખવામાં વિલંબ માટે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સની ટીકા કરી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘કોહલીને તેની ઇનિંગ્સની શરૂઆતમાં જ આઉટ કરી દેવો જોઈતો હતો. ફીલ્ડ-પ્લેસમેન્ટ એવી હતી કે તેણે સરળતાથી સ્કોર કર્યો, જ્યારે તે પહેલાં દબાણમાં હતો.
ઑસ્ટ્રેલિયન ટીમે પણ શૉર્ટ બૉલ નાખવામાં મોડું કર્યું. યશસ્વી જાયસવાલ પણ શૉર્ટ બૉલ રમી શક્યો નહોતો. કદાચ પૅટ કમિન્સે પહેલાં આવા બૉલનો ઉપયોગ કરવો જોઈતો હતો. ભારતીય ટીમ પહેલી ઇનિંગ્સમાં ખરાબ પ્રદર્શનને કારણે દબાણમાં હતી, પરંતુ હવે ટીમ ખૂલીને રમતી જોવા મળશે.’