ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જણાવ્યું કે ‘અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓ પર તાલિબાન શાસનના વધતાં જતાં નિયંત્રણોને લક્ષમાં લેતાં અમે અમારી ટીમને યુએઈમાં અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે મોકલવાની યોજનામાં આગળ વધી શકીએ એમ નથી.’
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ક્રિકેટમાં સામાન્ય રીતે કોઈ ટીમ યજમાન દેશમાંની અસલામતીના મુદ્દે કે બન્ને દેશ વચ્ચેના રાજકીય વિવાદને પગલે એ દેશનો પ્રવાસ રદ કરતી હોય છે, પરંતુ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે અભૂતપૂર્વ કારણસર અફઘાનિસ્તાન સામેની આગામી વન-ડે સિરીઝ માટે પોતાની ટીમને યુએઈ ન મોકલવાનું નક્કી કર્યું છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જણાવ્યું કે ‘અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓ પર તાલિબાન શાસનના વધતાં જતાં નિયંત્રણોને લક્ષમાં લેતાં અમે અમારી ટીમને યુએઈમાં અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે મોકલવાની યોજનામાં આગળ વધી શકીએ એમ નથી.’
ઑસ્ટ્રેલિયાનું બોર્ડ ફેબ્રુઆરીમાં ચાર ટેસ્ટ માટે ટીમને ભારત મોકલવાનું છે. ત્યાર પછી એક ટીમને બોર્ડ યુએઈ મોકલવાનું હતું, જ્યાં ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ વન-ડે રમાવાની હતી. આ સિરીઝ આઇસીસી સુપર લીગનો હિસ્સો જ હતી, પરંતુ એ શ્રેણી હવે રદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આઇસીસીમાં અફઘાનિસ્તાન એકમાત્ર દેશ છે જેની મહિલા ટીમ નથી. તાલિબાન સરકારે થોડા દિવસ પહેલાં અફઘાનિસ્તાનમાં શિક્ષણ અને રોજગારની તકોની બાબતમાં સ્ત્રીઓ પર નિયંત્રણ મૂકવાની સાથે જાહેર કર્યું હતું કે મહિલાઓ અને છોકરીઓ પાર્કમાં કે જિમ્નેશ્યમમાં નહીં પ્રવેશી શકે.