T20માં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર આ ભારતીયએ અમ્પાયરિંગ પણ કર્યું છે, ધોનીની જેમ રેલવેની નોકરીથી બદલાઈ ગઈ જિંદગી
મૅચ બાદ ડ્રેસિંગ રૂમમાં પંજાબ કિંગ્સના પોતાના જૂના કૅપ્ટન શિખર ધવન સાથે વિડિયો-કૉલ પર વાતચીત કરી હતી આશુતોષ શર્માએ.
મધ્ય પ્રદેશના ૨૬ વર્ષના બૅટિંગ ઑલરાઉન્ડર આશુતોષ શર્માએ સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કૅપિટલ્સ તરફથી સાતમા ક્રમે આવીને ૩૧ બૉલમાં ૬૬ રનની અણનમ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બૅટિંગ કરવા ઊતરેલા આશુતોષ શર્માને પોતાની નવી ફ્રૅન્ચાઇઝી માટે ડેબ્યુ મૅચમાં ૬૬ રનની ઇનિંગ્સ રમવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ પણ મળ્યો છે. IPL 2024માં પંજાબ કિંગ્સ માટે ૧૧ મૅચમાં એક ફિફ્ટીની મદદથી ૧૮૯ રન કરનાર આશુતોષને ૩.૮૦ કરોડ રૂપિયામાં દિલ્હીએ પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યો છે.
આશુતોષની ૬૬ રનની ઇનિંગ્સ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સાતમા કે એથી નીચેના ક્રમે ભારતીય બૅટ્સમૅન દ્વારા સફળ રન-ચેઝમાં સૌથી મોટી ઇનિંગ્સ છે. અગાઉ આ રેકૉર્ડ યુસુફ પઠાણના નામે હતો, જેણે ૨૦૦૯માં રાજસ્થાન તરફથી ૬૨ રનની ઇનિંગ્સ દિલ્હી સામે રમી હતી. આશુતોષ અને યુસુફ એકલા એવા ભારતીય છે જેમણે સાતમા નંબરથી નીચેની બૅટિંગ પોઝિશન પર ટાર્ગેટ ચેઝ કરવામાં ફિફ્ટી ફટકારી છે. ઓવરઑલ આ મામલે ચેન્નઈ માટે ડ્વેઇન બ્રાવોએ ૨૦૧૮માં મુંબઈ સામે ૬૮ રનની મોટી ઇનિંગ્સ રમી હતી.
ADVERTISEMENT
આશુતોષ શર્માની અહીં સુધીની સફર સરળ નથી રહીં. તેણે મધ્ય પ્રદેશના પોતાના કોચ ચંદ્રકાંત પંડિત (KKRના વર્તમાન કોચ) પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ટ્રાયલ મૅચમાં ૪૫ બૉલમાં ૯૦ રન બનાવવા છતાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. કેટલાંક વર્ષ પહેલાં ડિપ્રેશનમાં રહેલા આશુતોષને જ્યારે એમ. એસ. ધોનીની જેમ રેલવેમાં નોકરીની ઑફર મળી ત્યારથી તેની જિંદગી બદલાઈ ગઈ. રેલવે તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમતાં તેણે ૨૦૨૩માં અરુણાચલ પ્રદેશ સામે ૧૧ બૉલમાં T20 ફિફ્ટી ફટકારી હતી જે આ ફૉર્મેટની એક ભારતીય ક્રિકેટર દ્વારા ફાસ્ટેસ્ટ અને ઓવરઑલ બીજી ફાસ્ટેસ્ટ ફિફ્ટી હતી. જન્મસ્થળ રતલામથી તે ઇન્દોર તરફ ક્રિકેટ સ્કિલ વધારવા ગયો ત્યારે પોતાના ખર્ચા પૂરા કરવા તેણે અમ્પાયરિંગ પણ કર્યું હતું. પંજાબ કિંગ્સના ભૂતપૂર્વ બૅટિંગ કોચ સંજય બાંગરની નજર પડતાં તેને પંજાબ તરફથી IPLમાં એન્ટ્રી મળી હતી.
આખા વર્ષ દરમ્યાન મેં મૅચ ફિનિશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, હું આ ઇનિંગ્સ મારા મેન્ટર શિખર પાજીને સમર્પિત કરું છું. - પ્લેયર ઑફ ધ મૅચ આશુતોષ શર્મા

