તાજેતરમાં તેમનું ઘર અને ઘરમાં છુપાવેલી લાઇબ્રેરીની દીવાલને તોડવાનો વિડિયો શૅર કરીને અબુ બિલાલે ખુદાનો આભાર માન્યો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કુવૈતમાં ૧૫ વર્ષ રહ્યા પછી એક સિરિયન ભાઈ પોતાના દમાસ્કસના ઘરે પાછા ફર્યા એ પછી તેમણે ઘરની દીવાલમાં છુપાવી રાખેલી એક લાઇબ્રેરી રિવીલ કરી હતી. એમાં સેંકડો પુસ્તકો, કુરાન અને મૅગેઝિન્સ છુપાવેલાં હતાં. અબુ બિલાલ નામના ભાઈએ સિરિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ આવી ત્યારે દેશ છોડી દીધો હતો. એ પહેલાં તેમણે પોતાના ઘરમાં રહેલાં પુસ્તકોનાં વિશાળ ખજાનાને એક દીવાલમાં સીલ કરી નાખ્યો હતો. સિરિયાની બશર અલ-અસદ સરકાર દ્વારા લદાયેલી સખત પાબંદીઓનો અબુ બિલાલને ડર રહેતો હતો. તેમના કલેક્શનમાં ધાર્મિક, રાજનીતિક અને બૌદ્ધિક પુસ્તકો હતાં. જો સરકારની નજર એના પર પડી જાય તો તેમનો જીવ જોખમમાં મુકાય એમ હતો. તેમણે પોતાના પરિવારથી પણ આ લાઇબ્રેરીને છુપાવી હતી. જ્યારે તેમણે સિરિયા છોડ્યું ત્યારે ખબર નહોતી કે તેઓ પાછા આવી શકશે કે કેમ, ધારો કે આવશે તો ત્યાં સુધી તેમનું ઘર અને સંપત્તિ હયાત હશે કે કેમ. જોકે તાજેતરમાં તેમનું ઘર અને ઘરમાં છુપાવેલી લાઇબ્રેરીની દીવાલને તોડવાનો વિડિયો શૅર કરીને અબુ બિલાલે ખુદાનો આભાર માન્યો હતો.
