તાજેતરમાં રાજસ્થાનના મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં હેણોતરો જોવા મળ્યો હતો. એ જોઈને પ્રાણીવિશેષજ્ઞો અને વન્યજીવ પ્રેમીઓમાં ખાસ્સો ઉત્સાહ છે. કૅરૅકલને હિન્દીમાં સ્યાહગોશ કહેવાય છે જે શિકાર કરવામાં ખૂબ જ ચપળ હોય છે. આફ્રિકા, મધ્ય એશિયામાં જોવા મળે છે.
મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં કૅરૅકલ જોવા મળ્યો (સૌજન્ય: મિડ-ડે)
જેમ ચિત્તા એક સમયે ભારતમાં સમ ખાવા પૂરતાય નહોતા, એવી જ હાલત અત્યારે કૅરૅકલ એટલે કે કચ્છની ભાષામાં હેણોતરો તરીકે જાણીતા બિગ કૅટ ફૅમિલીના પ્રાણીની છે. કચ્છ-રાજસ્થાનમાં જ જોવા મળતા આ પ્રાણીની અત્યારે કદાચ ભારતમાં વસ્તી પચીસ-ત્રીસથી પણ ઓછી છે. તાજેતરમાં રાજસ્થાનના મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં હેણોતરો જોવા મળ્યો હતો. એ જોઈને પ્રાણીવિશેષજ્ઞો અને વન્યજીવ પ્રેમીઓમાં ખાસ્સો ઉત્સાહ છે. કૅરૅકલને હિન્દીમાં સ્યાહગોશ કહેવાય છે જે શિકાર કરવામાં ખૂબ જ ચપળ હોય છે. સામાન્ય રીતે આફ્રિકા, મધ્ય એશિયા અને ભારતમાં કચ્છ-રાજસ્થાનમાં જ જોવા મળતું આ પ્રાણી નામશેષ થવાના આરે છે. વાઘના સંરક્ષણ માટે બનેલા મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં આ પ્રાણી પહેલી વાર જોવા મળ્યું છે. આ અભયારણ્ય કોટા, બુંદી, ઝાલાવાડ અને ચિત્તોડગઢ જિલ્લામાં ફેલાયેલું છે અને અહીં વાઘ ઉપરાંત દીપડા, રીંછ અને અન્ય દુર્લભ પ્રાણીઓનું ઘર છે. તાજેતરમાં વનવિભાગે મૂકેલા એક કૅમેરા ટ્રૅપમાં હેણોતરો જોવા મળ્યો હતો. આ પહેલાં રાજસ્થાનમાં પણ આ પ્રાણી રણથંભોર અને સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ જોવા મળતો હતો. આવા દુર્લભ પ્રાણીનું દેખાવું એ મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં સારા પરિર્વતનોનો સંકેત આપે છે.

