બેનીપુર ગામમાં ૩૦૦ વર્ષથી રક્ષાબંધનનો તહેવાર નથી ઊજવાતો
પ્રતીકાત્મક તસવીર
ભાઈ અને બહેન બન્ને રક્ષાબંધનની આખું વર્ષ રાહ જોતાં હોય છે, પણ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના બેનીપુર ગામમાં ૩૦૦ વર્ષથી રક્ષાબંધનનો તહેવાર નથી ઊજવાતો. ભાઈઓ તો રાખડી બંધાવતા જ નથી, પણ ભાભીઓ એટલે કે પુત્રવધૂઓ પણ રાખડી બાંધવા પિયર નથી જતી. ગામના પુરુષોને એવો ડર હોય છે કે બહેન રાખડી બાંધીને બધી સંપત્તિ માગી લેશે તો... જોકે આ માન્યતાનું કારણ ૩૦૦ વર્ષ જૂની એક વાયકા સાથે જોડાયેલું છે. તેમના પૂર્વજો પહેલાં ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના સેમરી ગામમાં વસતા હતા. ત્યાં યાદવો અને ઠાકુર સમાજની વસ્તી હતી અને સુમેળ પણ હતો. બન્ને પરિવારનાં યુવક-યુવતીઓ એકબીજાને રાખડી બાંધતાં. એક તહેવારે ઠાકુર પરિવારની યુવતીએ યાદવ ભાઈને રાખડી બાંધી અને સામે આખેઆખું ગામ માગી લીધું. બહેનની ટેક રાખવા યાદવોએ ઘર-જમીન અને તમામ સંપત્તિ બહેનને ભેટમાં આપી દીધી અને ગામ છોડી દીધું. ત્યારથી આવું મહાદાન અત્યારના સમયમાં શક્ય નથી એટલે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવતો નથી.


