માત્ર બે માઇલ પહોળા અને ૧૧૦ માઇલ લાંબા ટાપુની બન્ને બાજુ રેતી છે અને રેતીની વિશેષતા એ છે કે એનો રંગ ગુલાબી છે
બહામાસ
વિશ્વમાં અનેક એવા રમણીય બીચ છે જે પ્રવાસીઓને વિવિધ કારણસર આકર્ષે છે. સામાન્ય રીતે બીચ એના બ્લુ પાણી, લાઇટ કલરની રેતી અને શાંત માહોલ માટે ઓળખાય છે, પણ બહામાસના ટાપુમાં એક એવો બીચ છે જે એની ગુલાબી રેતી માટે પ્રખ્યાત છે. આ ટાપુને એલ્યુથેરા કહેવાય છે, જે બહામાસ, કૅરિબિયનમાં નાસાઉની પૂર્વમાં આવેલું છે. માત્ર બે માઇલ પહોળા અને ૧૧૦ માઇલ લાંબા ટાપુની બન્ને બાજુ રેતી છે અને રેતીની વિશેષતા એ છે કે એનો રંગ ગુલાબી છે એથી એ પિન્ક સૅન્ડ બીચ અથવા ફ્રેન્ચ લીવ બીચ તરીકે ઓળખાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ પિન્ક બીચ પર અન્ય બીચની જેમ પ્રવાસીઓની ભીડ નથી જામતી અને જો તમે નસીબદાર હો તો તમને હૉલીવુડના જાણીતા ઍક્ટર્સ પણ ત્યાં જોવા મળી શકે! કેટલાક સેલિબ્રિટીઝ અહીં પ્રૉપર્ટી ધરાવે છે. આ ટાપુની વસ્તી માત્ર ૧૧,૦૦૦ની આસપાસ છે. એલ્યુથેરા પાઇનૅપલની ખેતી માટેય જાણીતું છે. ૧૯૭૪માં અહીં પ્રિન્સેસ ડાયનાએ પાઇનૅપલનું ફાર્મિંગ કર્યું હતું.


