શાંઘાઈના ફૉરેસ્ટ પાર્કમાં સૂવાની સ્પર્ધા યોજાઈ હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
આજની ભાગદોડભરી જિંદગીમાં કંઈ જ ન કરવાનું હોય એવો સમય દરેક વ્યક્તિએ ગાળવો જ જોઈએ. જોકે આ વાતને ચીનના શાંઘાઈ શહેરના લોકોએ બહુ સિરિયસલી લઈ લીધી હોય એવું લાગે છે. અહીંના એક ફૉરેસ્ટ પાર્કમાં રિયલ લાઇફમાં સ્લીપ કૉમ્પિટિશન થઈ રહી છે.
વાત એમ હતી કે ગયા મહિને ૨૧ માર્ચે વિશ્વભરમાં સ્લીપ ડે ઊજવાયો હતો. એમાં શાંઘાઈના ફૉરેસ્ટ પાર્કમાં સૂવાની સ્પર્ધા યોજાઈ હતી. જોકે એ પછી તો આ કાર્યક્રમ લોકોને એટલો ગમી ગયો કે હવે દર વીક-એન્ડમાં આ સ્પર્ધા થાય છે. અહીં વીક-એન્ડમાં બપોરે ૧૨થી ૭ વાગ્યા સુધી ફોન કે અન્ય કોઈ પણ ચીજ વિના લગાતાર ૭ કલાક સૂવાનું હોય છે. જો આ દરમ્યાન તમે બાથરૂમ બ્રેક માટે પણ પથારીમાંથી ઊઠો તો પણ સ્પર્ધામાંથી ડિસક્વૉલિફાય થઈ જાઓ. આ ૭ કલાક દરમ્યાન પથારીમાં મૂકેલાં સેન્સર્સ દ્વારા તમારો હાર્ટ-રેટ, શ્વાસ લેવાની અને આંખોની મૂવમેન્ટ ટ્રૅક કરવામાં આવે છે. જો અસલમાં તમે સૂતા હો તો જ એ કામ કરે છે. સૂવાનો ઢોંગ કરતા હો તો એ પણ સેન્સરમાં પકડાઈ જાય છે. ૭ કલાક સતત સૂઈને જીતનારી વ્યક્તિને ૪૦,૦૦૦ રૂપિયાનું ઇનામ મળે છે.
