લાકડીના મારથી બચવા પતિએ વચ્ચે હાથ નાખ્યો હતો તો તેની આંગળીમાં પણ ફ્રૅક્ચર થયું હતું.
પ્રતીકાત્મક તસવીર
બિહારમાં એક પતિએ તેની પત્નીને સોશ્યલ મીડિયામાં બર્થ-ડે વિશ ન કર્યો તો તેના માથામાં પત્નીએ લાકડી ફટકારી દીધી હતી, જેને કારણે પતિએ માથામાં ટાંકા લેવા પડ્યા હતા. લાકડીના મારથી બચવા પતિએ વચ્ચે હાથ નાખ્યો હતો તો તેની આંગળીમાં પણ ફ્રૅક્ચર થયું હતું.
આ ઘટના મુઝફ્ફરપુરના અહિયાપુરની છે. આ યુવાનને શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને જ્યારે ડૉક્ટરોએ ઘટના વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તેને પત્નીએ જ ફટકાર્યો હતો. બે દિવસ પહેલાં તેની બહેનનો જન્મદિવસ હતો અને એ દિવસે તેણે સોશ્યલ મીડિયામાં સ્ટોરી નાખીને બહેનને જન્મદિવસની વધાઈ આપી હતી. મિત્રોએ એના પર ઘણી લાઇક્સ આપી હતી અને શૅર કર્યું હતું. આથી પત્નીએ પોતાના બર્થ-ડે પર પણ પતિને આમ કરવા કહ્યું હતું જે પતિ ભૂલી ગયો હતો. પત્ની આશા બાંધીને બેઠી હતી કે પતિ જન્મદિવસના રોજ સોશ્યલ મીડિયામાં સ્ટોરી શૅર કરીને વિશ કરશે. જોકે પતિ આ વાત ભૂલી ગયો એટલે આ મુદ્દે બન્ને વચ્ચે પહેલાં ઝઘડો થયો હતો અને પછી મારામારી થઈ હતી, જેમાં પત્નીએ ઘરમાં પડેલી લાકડી પતિના માથામાં ફટકારી દીધી હતી.

