OTT પ્લૅટફૉર્મ્સનો પરચો, જાયન્ટ કંપનીઓએ એમની અનેક ચૅનલોનાં લાઇસન્સ પાછાં આપી દીધાં
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં છેલ્લાં ૩ વર્ષમાં પચાસ ટીવી-ચૅનલોએ શટર પાડી દીધાં હોવાની જાણકારી સામે આવી છે. ભારતના ટીવી-સેક્ટર સામે વધતા પડકારોને કારણે અનેક ટીવી-ચૅનલોએ લાઇસન્સ પાછાં કર્યાં છે. મોબાઇલ પ્લૅટફૉર્મ્સ સાથે કનેક્ટ થતાં સ્માર્ટ ટીવી, OTT પ્લૅટફૉર્મ્સ અને ડિજિટલ વ્યુઅરશિપમાં વધારાને કારણે ટીવી-ચૅનલોની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે.
મિનિસ્ટ્રી ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગના ડેટા પ્રમાણે જિયોસ્ટાર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ, ઇનાડુ ટીવી, ટીવી ટુડે નેટવર્ક, NDTV અને ABP નેટવર્ક્સ જેવા જાણીતા બ્રૉડકાસ્ટર્સે પણ અમુક ચૅનલો માટે લાઇસન્સ પાછાં કર્યાં છે. આ સેક્ટરના જાણકાર લોકોનું કહેવું છે કે સમૃદ્ધ પરિવારો હવે OTT પ્લૅટફૉર્મનો વધુ ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ ફૅમિલી DDની ફ્રી ડિશનો વપરાશ કરી રહી છે. તાજેતરના એક રિપોર્ટની માહિતી પ્રમાણે પેમેન્ટ આપીને ખરીદવામાં આવતાં ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) કનેક્શન્સનો સબ્સ્ક્રાઇબર-બેઝ ૨૦૧૯માં ૭.૨૦ કરોડથી ઘટીને ૨૦૨૪માં ૬.૨૦ કરોડ થઈ ગયો હતો અને ચાલુ ફાઇનૅન્શિયલ યરમાં ૫.૧૦ કરોડ થઈ જવાનો અંદાજ છે.


