ભૂકંપનો સામનો કરી રહેલા ટર્કીને ભારત તરફથી મેડિકલ, સર્ચ અને રેસ્ક્યુ ટીમ, ડૉગ સ્ક્વૉડ અને દવાઓ મોકલવા સહિત અનેક રીતે મદદ આપવામાં આવી રહી છે
ઇન્ડિયન આર્મીએ ગઈ કાલે મેડિકલ ઇક્વિપમેન્ટની સાથે ૮૯ સભ્યોની આ મેડિકલ સ્પેશ્યલિસ્ટ ટીમને ટર્કીમાં મોકલી હતી.
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : વડા પ્રધાનની ઑફિસ દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવ્યાને કલાકો બાદ ભારતે ભૂકંપનો સામનો કરનારા ટર્કીમાં રાહત સામગ્રી મોકલવાનું શરૂ કર્યું હતું.
ઇન્ડિયન ઍર ફોર્સના એક ઍરક્રાફ્ટમાં રાહત સામગ્રીના પહેલા બૅચમાં એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની સર્ચ અને રેસ્ક્યુ ટીમ, અત્યંત કુશળ ડૉગ સ્ક્વૉડ, દવાઓ તેમ જ ડ્રિલિંગ માટેનાં ઍડ્વાન્સ સાધનો તેમ જ અન્ય જરૂરી ટૂલ્સ મોકલવામાં આવ્યાં હતાં. ભારત ઇન્ડિયન ઍર ફોર્સનાં વધુ સી-૧૭ પ્લેન્સમાં સતત રાહત સામગ્રી મોકલી રહ્યું છે. આગરાસ્થિત આર્મી ફીલ્ડ હૉસ્પિટલે ૮૯ સભ્યોની મેડિકલ ટીમને મોકલી છે.
ટર્કીએ ભલે કાશ્મીરના મુદ્દે ભારતને સાથ ન આપ્યો હોય અને ભારતના દુશ્મન પાકિસ્તાનને પૂરેપૂરો સપોર્ટ આપ્યો હોય, પરંતુ જ્યારે ટર્કી મુશ્કેલીમાં મુકાયું ત્યારે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. કાશ્મીરનો મુદ્દો હોય કે અન્ય મહત્ત્વના મુદ્દાઓ, ટર્કી હંમેશાંથી ભારતનો વિરોધ કરે છે.
ADVERTISEMENT
ટર્કિશ અને હિન્દીમાં ‘દોસ્ત’ કૉમન શબ્દ છે. ટર્કીમાં કહેવત છે કે ‘દોસ્ત કરા ગુંદે બેલ્લી ઓલુર’ એટલે કે મિત્ર એ જ કે જે મુશ્કેલીમાં કામ આવે. - ફિરાત સુનેલ, ભારતમાં ટર્કીના ઍમ્બૅસૅડર