ડૉ. મનમોહન સિંહના મેમોરિયલ માટે કેન્દ્ર સરકાર એકથી દોઢ એકરનો પ્લૉટ ફાળવે એવી ધારણા છે.
મનમોહન સિંહ
ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત ડૉ. મનમોહન સિંહના માનમાં સ્મારક બનાવવા માટેની પ્રક્રિયાનો કેન્દ્ર સરકારે આરંભ કર્યો છે અને આ મેમોરિયલની જગ્યાની પસંદગી માટે ડૉ. મનમોહન સિંહના પરિવારને વિવિધ સ્થળોની જાણકારી આપવામાં આવી છે. તેઓ સ્થળની પસંદગી કરશે પછી કન્સ્ટ્રક્શનનું કામ આગળ વધશે, પણ એ પહેલાં કેટલીક કાનૂની વિધિ પણ પાર પાડવી પડશે.
હાલના કાયદા મુજબ કોઈ પણ મેમોરિયલ બનાવવા માટે કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવે છે. મેમોરિયલ બનાવવા માટેની જમીન કોઈ વ્યક્તિને નહીં પણ ટ્રસ્ટને ફાળવવામાં આવે છે અને મેમોરિયલ બાંધવાની જવાબદારી એની રહે છે. જગ્યાની પસંદગી બાદ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ કરવામાં આવે છે અને પછી મેમોરિયલ બાંધવાનું કામ શરૂ થાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ડૉ. મનમોહન સિંહના મેમોરિયલ માટે કેન્દ્ર સરકાર એકથી દોઢ એકરનો પ્લૉટ ફાળવે એવી ધારણા છે. આ જમીન રાજઘાટ, રાષ્ટ્રીય સ્મૃતિસ્થળ કે કિસાનઘાટની આસપાસ હોઈ શકે છે.
ADVERTISEMENT
એવું જણાય છે કે ગાંધી-નેહરુ પરિવારના લોકોની જ્યાં સમાધિ છે એવા જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીની સમાધિની આસપાસ ડૉ. મનમોહન સિંહના મેમોરિયલ માટે જગ્યા ફાળવવામાં આવશે.