મહિલાઓ હવે ૪૦ ગ્રામ અને પુરુષો ૨૦ ગ્રામ સોનું વિદેશથી ડ્યુટી-ફ્રી લાવી શકે છે. પુખ્ત વયની વ્યક્તિ એક નવું લૅપટૉપ અથવા નોટપૅડ ડ્યુટી-ફ્રી લાવી શકશે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ભારતમાં આવતા મુસાફરો માટે બૅગેજના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેનાથી સોનાના દાગીના સહિત અનેક વસ્તુઓ માટે ડ્યુટી-ફ્રી ભથ્થાંનો વિસ્તાર થયો છે. નવા બૅગેજ રૂલ્સ બીજી ફેબ્રુઆરીથી અમલમાં આવ્યા છે જે હવાઈ અથવા દરિયાઈ માર્ગે આવતા મુસાફરોને કસ્ટમ્સ-ડ્યુટી ચૂકવ્યા વિના વ્યક્તિગત વસ્તુઓ લાવવાની મંજૂરી આપે છે.
ભારતનો રહેવાસી, ભારતીય મૂળનો પ્રવાસી અથવા ટૂરિસ્ટ વીઝા સિવાય માન્ય વીઝા ધરાવતો વિદેશી નાગરિક ૭૫,૦૦૦ રૂપિયા સુધીનો માલ ડ્યુટી-ફ્રી લાવી શકે છે. અગાઉની મર્યાદા ૫૦,૦૦૦ રૂપિયા હતી. નિયમોમાં વિદેશી પ્રવાસીઓ માટે એક અલગ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. હવાઈ કે દરિયાઈ માર્ગે ભારતમાં આવનારા વિદેશી પ્રવાસીને તેના લગેજમાં ૨૫,૦૦૦ રૂપિયા સુધીની કિંમતની વસ્તુઓના ડ્યુટી-ફ્રી ક્લિયરન્સની પરવાનગી આપવામાં આવી છે.
ADVERTISEMENT
સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (CBIC)ના પહેલી ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે આ નિયમો બૅગેજ રૂલ્સ 2016ને બદલે અસ્તિત્વમાં આવ્યા છે.
એક વર્ષથી વધુ સમય માટે વિદેશમાં રહેતા ભારતીય મૂળના રહેવાસી અથવા પ્રવાસીને ભારત પાછા ફરતી વખતે ડ્યુટી-ફ્રી સોનાની જ્વેલરી લાવવાની છૂટ છે, જેમાં મહિલા મુસાફરને ૪૦ ગ્રામ વજન સુધીના દાગીના અને મહિલા મુસાફર સિવાયના બીજા કોઈ મુસાફરને ૨૦ ગ્રામ વજન સુધીના સોનાના દાગીનાના ડ્યુટી-ફ્રી ક્લિયરન્સની મંજૂરી આપવામાં આવશે.
આ મુદ્દે CBICએ જણાવ્યું હતું કે ‘એક મહિલા મુસાફર ૪૦ ગ્રામ અને એક પુરુષ મુસાફર ૨૦ ગ્રામ સુધીનાં ઘરેણાં લાવી શકે છે. આ જ્વેલરી પર્સનલ બૅગેજનો ભાગ હોવી જોઈએ, જેનો અર્થ એ થાય કે એ વ્યક્તિગત ઉપયોગ માટે જ હોવી જોઈએ અને વેચાણ માટે ન હોવી જોઈએ.’
વિમાનના ક્રૂ-મેમ્બર સિવાય ૧૮ વર્ષ કે એથી વધુ ઉંમરના મુસાફરને નોટપૅડ સહિત એક નવું લૅપટૉપ ડ્યુટી-ફ્રીમાં લાવવાની મંજૂરી આપવામાં આવી છે. સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડ્યુટી-ફ્રી મર્યાદા શૅર કરી શકાતી નથી. એક મુસાફરના મફત ભથ્થાને બીજા મુસાફરના ભથ્થા સાથે જોડી શકાતું નથી અથવા એકઠું કરી શકાતું નથી.


