મેરઠના સૌરભ રાજપૂતનું ક્રૂરતાથી મર્ડર કરનારા આ નરાધમોને જેલમાં પણ સાથે રહેવું હતું
મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ
આખા દેશમાં ચકચાર મચાવનારા સૌરભ રાજપૂતના હત્યાકેસનાં બેઉ આરોપીઓ સૌરભની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલે જેલમાં મળતા ભોજનનો ઇનકાર કરી દીધો છે અને અધિકારીઓ પાસે ડ્રગ્સની માગણી કરી હોવાનું જાણવા મળે છે. બેઉ ડ્રગ-ઍડિક્ટ છે અને જેલમાં ડ્રગ્સ ન મળવાથી તેઓ ગંભીર તકલીફ અનુભવી રહ્યાં છે.
તેમને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે અને જેલમાં જ વ્યસનમુક્તિ કેન્દ્રના નિરીક્ષણમાં રાખવામાં આવ્યાં છે. જો તેમની તબિયત વધારે બગડે તો તેમને મેડિકલ સુપરવિઝનમાં રાખવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને આ સ્થિતિમાંથી બહાર આવવામાં ૮થી ૧૦ દિવસ લાગી શકે છે.
ADVERTISEMENT
મુસ્કાનના પરિવારે આ પહેલાં જ આરોપ લગાવ્યો હતો કે સાહિલે તેને ડ્રગ્સ લેવાનું શીખવ્યું હતું. તેઓ ઇન્જેક્શનથી ડ્રગ્સ લેતાં હતાં.
બેઉ આરોપીઓએ સૌરભ રાજપૂતની ચોથી માર્ચે ઠંડા કલેજે હત્યા કરી હતી અને તેના શરીરનાં અંગો કાપી ડ્રમમાં મૂકીને એમાં સિમેન્ટ ભરી દીધો હતો. મુસ્કાન અને સાહિલની ૧૮ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી ઉશ્કેરાયેલો રહેતો હતો
જુડિશ્યલ કસ્ટડીમાં મુસ્કાન અને સાહિલને મેરઠની ચૌધરી ચરણ સિંહ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યાં છે. બેઉ આરોપીઓએ સાથે રહેવાની માગણી કરી હતી, પણ જેલના નિયમો મુજબ મુસ્કાનને મહિલા બૅરેકમાં અને સાહિલને પુરુષોની બૅરેકમાં રાખવામાં આવ્યાં છે. જેલમાં પ્રવેશ્યા બાદ મુસ્કાન પરેશાન દેખાતી હતી. તેણે આખી રાત બેચેનીમાં વિતાવી હતી અને ભોજનનો ઇનકાર કરી દીધો હતો. જોકે જેલના અધિકારીઓની સમજાવટ બાદ તેણે થોડું ખાધું હતું. બીજી તરફ સાહિલ મોટા ભાગે મૌન રહ્યો હતો. જોકે તે ખુલ્લેઆમ ડ્રગ્સની માગણી કરતો હતો. તે ઇન્જેક્શનથી ડ્રગ્સ લેતો હોવાથી વધારે ઉશ્કેરાયેલો દેખાતો હતો.
દવાઓ આપવામાં આવે છે
બેઉ આરોપીઓ ડ્રગ-ઍડિક્ટ હોવાથી તેમને ડ્રગ્સના વ્યસનમાંથી બહાર આવવા માટે દવાઓ આપવામાં આવી રહી હોવાનું સિનિયર જેલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વિરેશ રાજ શર્માએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેઉ પર નજર રાખવામાં આવી રહી છે. જેલમાં આવેલા વ્યસનમુક્તિ કેન્દ્ર દ્વારા તેમનું કાઉન્સેલિંગ પણ શરૂ કરવામાં આવશે.\
સૌરભની હત્યા અત્યંત ક્રૂરતાથી કરાઈ
મર્ચન્ટ નેવીના ભૂતપૂર્વ ઑફિસર સૌરભ રાજપૂતની હત્યા કરવામાં પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હોવાનું પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે.
ઑટોપ્સી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘સૌરભનું માથું કાપી નાખવામાં આવ્યું હતું અને કાંડા સાથે હાથ પણ કાપી નાખવામાં આવ્યા હતા. તેના પગ પાછળની તરફ વળેલા હતા જે સૂચવે છે કે ડ્રમમાં ફિટ કરવા માટે આમ કરવામાં આવ્યું હશે. આઘાત અને વધુ પડતા રક્તસ્રાવને લીધે સૌરભનું મૃત્યુ થયું હતું. સૌરભના હૃદયમાં ત્રણ વખત ખૂબ જ બળપૂર્વક છરો મારવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે આ હિંસક હુમલો હતો.’

