ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ભારે નુકસાન થયું છે ત્યારે મોહન ભાગવતની યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે.
RSSના અધ્યક્ષ મોહન ભાગવત અને યોગી આદિત્યનાથ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અધ્યક્ષ મોહન ભાગવત લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ પહેલી વખત ઉત્તર પ્રદેશની મુલાકાતે છે ત્યારે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે શનિવારે બંધબારણે બેઠક યોજી હોવાનું જાણવા મળ્યું હતું. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ભારે નુકસાન થયું છે ત્યારે મોહન ભાગવતની યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે. મોહન ભાગવત અને યોગી આદિત્યનાથ શનિવારે બે વખત મળ્યા હતા. સવારના RSSના એક કાર્યક્રમમાં બન્ને સાથે થઈ ગયા હતા અને બાદમાં રાત્રે તેઓ ગોરખપુરમાં એક સ્કૂલમાં મળ્યા હતા, જ્યાં તેમની વચ્ચે બંધબારણે લગભગ અડધો કલાક ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં BJP સાથી પક્ષો સાથે ૭૫થી વધુ બેઠક મેળવશે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ માત્ર ૩૩ બેઠક જ મેળવી શકી હતી. કયા કારણથી વિપરીત પરિણામ આવ્યું એ વિશે તેમની વચ્ચે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. ઉત્તર પ્રદેશમાં મતદારોને પોતાના તરફ ખેંચવા માટે કેવા અને કેટલા પ્રયાસ કરી શકાય એ માટે મોહન ભાગવત ઉત્તર પ્રદેશમાં RSSના પદાધિકારીઓને મળ્યા હતા.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં BJPને એકલા હાથે સરકાર બનાવી શકે એટલી બેઠકો પણ નથી મળી એ બાબતે મોહન ભાગવત સહિત સંઘના મુખપાત્ર ઑર્ગેનાઇઝરમાં ટીકા કરવામાં આવી છે.