કેન્દ્રશાસિત પ્રદેશ પૉન્ડિચેરીમાં સૌથી વધુ ૮૯.૮૩ ટકા મતદાન થયું
આસામના દરાંગમાં લોકો વોટ આપવા માટે બ્રહ્મપુત્ર નદી પાર કરીને મતદાનમથકો પર પહોંચ્યા હતા.
ગઈ કાલે આસામ, કેરલમ અને પૉન્ડિચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાતાઓનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્રણેય રાજ્યોમાં બમ્પર સંખ્યામાં મતદાન થયું હતું. પૉન્ડિચેરીમાં ૮૯.૮૩ ટકા લોકોએ મતદાન કર્યું હતું. એ પછી બીજા નંબરે આસામમાં ૮૫.૩૮ ટકા અને કેરલમમાં ૭૮.૦૩ ટકા મતદાન થયું હતું. આ આંકડા રાતે ૮ વાગ્યા સુધીના હતા. જોકે એમાં ત્રણેય રાજ્યોમાં કુલ ૩૪૬૮ મતદાનકેન્દ્રોમાંથી ફાઇનલ આંકડા અપડેટ થવાના બાકી હતા. એ જોતાં આ આંકડો હજી વધે એવી શક્યતા છે.
આસામમાં તમામ ૧૨૬ બેઠકો માટે મતદાન થયું હતું અને એ માટે કુલ ૭૨૨ ઉમેદવારો મેદાનમાં હતા. ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં ૮૨.૦૪ ટકા મતદાન થયું હતું. આસામમાં BJPના નેતૃત્વવાળી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) સરકાર સતત ત્રીજી વાર બને એવી કોશિશમાં છે. રાજ્યમાં સૌથી વધુ ૯૪.૫૭ ટકા મતદાન દલગાંવ વિસ્તારમાં થયું હતું.
ADVERTISEMENT
કેરલમમાં ૧૪૦ બેઠકો માટે મતદાન થયું હતું. અહીં કેટલાંય બૂથ પર સાંજે છ વાગ્યા પછી પણ લોકોની લાંબી લાઇન હોવાથી ટોકન આપીને લાઇનમાં ઊભેલા લોકોને મતદાન કરવાની અનુમતિ આપવામાં આવી હતી. ૨૦૨૧માં કેરલમાં ૭૪.૦૬ ટકા મતદાન થયું હતું.
પૉન્ડિચેરીમાં ૩૦ બેઠકો માટે મતદાન થયું હતું. સાંજે ૬ વાગ્યા પછી પણ લાંબી લાઇનો હોવાથી રાતે આઠ વાગ્યા સુધી મતદાનકેન્દ્રો ચાલુ રહ્યાં હતાં. ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણીમાં પૉન્ડિચેરીમાં ૮૩.૪૨ ટકા મતદાન થયું હતું.
