Rajasthan ATS: આ શખ્સ ઓડિશા અને તેલંગાણાથી ગાંજો લાવીને રાજસ્થાનમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. હવે તેની ધરપકડ કરાઈ છે.
પ્રતીકાત્મક તસવીર
રાજથાનની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (Rajasthan ATS) તેમજ એન્ટી નારકોટીક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તાજેતરમાં જ એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ સાથે ચોંકાવી નાખે તેવી પણ બાતમી મળી છે. ગાંજા તસ્કરી કરનાર બજરંગ સિંહ નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. પણ ચોંકાવનારી વાત એ છે કે આ ભાઈ નેશનલ સિક્યુરિટી ગાર્ડસના ભૂતપૂર્વ કમાન્ડો છે અને ૨૬/૧૧ અટેકના સમયે મુંબઈની તાજ હોટેલમાં ચલાવવામાં આવેલ ઓપરેશનમાં પણ સામેલ હતો, પણ હવે તો આ સીકર જિલ્લાના ફતેહપુર શેખાવતીનો કરંગા ગામનો ભાઈ ઓડિશા અને તેલંગાણાથી ગાંજો લાવીને રાજસ્થાનમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. જોકે, તેની ધરપકડ માટે પચીસ હજાર રૂપિયાનું ઇનામ સુદ્ધા જાહેર કરવામાં આવ્યું હતું.
હોશિયાર નીકળ્યો બજરંગભાઈ
ADVERTISEMENT
આ બજરંગભાઈ એટલો હોશિયાર નીકળ્યો કે તે તેના મોબાઈલનો ઓછો ઉપયોગ કરતો હતો. વળી તેની વાત કોઈને ખબર ન પડી જાય એની માટે વારંવાર પોતાનું લોકેશન પણ બદલ્યા કરતો હતો. જો કે, મહિનાઓની સખત મહેનત અને સર્વેલન્સ બાદ, રાજસ્થાન એટીએસએ (Rajasthan ATS) તેને આખરે દબોચી જ લીધો હતો. રિપોર્ટ (Rajasthan ATS) અનુસાર પોલીસે બજરંગભાઈ પાસેથી ૨૦૦ ગ્રામ ગાંજો પણ જપ્ત કર્યો છે. આઈજી વિકાસ કુમારે જણાવ્યું હતું કે બજરંગને ઓડિશા-તેલંગણામાં જૂના સંપર્કોએ દાણચોરી કરવામાં મદદ કરી હતી. શરુઆતમાં આ બજરંગભાઈએ નાના નાના પાયા પર સોદા કર્યા હતા પછી ધીમેધીમે ક્વિન્ટલ સ્તરના ગાંજાના માલની દાણચોરી કરવાનું પણ તે સાહસ કરવા લાગ્યો હતો.
આ ભાઈ પહેલાં શું કરતો હતો? કઈ રીતે અવળે રસ્તે વળ્યો?
તમને જણાવી દઈએ કે બજરંગભાઈની આ ધરપકડ બાદ રાજસ્થાનમાં ચાલી રહેલ ગાંજાની દાણચોરીના નેટવર્કને જાણવામાં પોલીસ અને એટીએસને મદદ મળશે. અહેવાલો કહે છે કે આ બજરંગ સિંહ ભણતર છોડ્યા બાદ સીધો બીએસએફમાં જોડાયો હતો ત્યારબાદ ખડતલ શરીર હોવાને કારણે અને લડાકુ સ્વભાવને કારણે તે એનએસજી કમાન્ડો બન્યો હતો. ત્યારબાદ બજરંગભાઈએ સાત વર્ષ સુધી આતંકવાદ વિરોધી કામગીરીમાં પણ ભાગ લેવાનું શરુ કરી નાખ્યું હતું અને ૨૦૦૮ના ૨૬/૧૧ના મુંબઈ હુમલા દરમિયાન તાજ હોટલ ઓપરેશનમાં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો. પણ કહે છે કે ૨૦૨૧માં નિવૃત્તિ થઇ ગયા બાદ તેણે અવળે રસ્તે જવાનું શરુ કર્યું તે ગામમાં રીટર્ન થયો પછી રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. પણ તેમાંય તેણે કોઈ કાઠું કાઢ્યું નહોતું. એટલે પછી આ ભાઈએ તેની પત્નીને પ્રધાનની ચૂંટણી લડવા માટે મજબૂર કરી હતી. પણ એમાંય તે ફેઈલ જ ગયો હતો. બસ, પછી તો આ ભાઈ ગુનેગારોની ટોળકીમાં (Rajasthan ATS) જોડાઈ ગયો અને ગાંજાની દાણચોરીના અવળે રસ્તે જવા લાગ્યો.


