હાથરસ જતાં પહેલાં રસ્તામાં રાહુલ ગાંધી અલીગઢના પિલખના ગામમાં પણ લોકોને મળ્યા હતા
ગઈ કાલે હાથરસમાં અને અલીગઢના પિલખના ગામમાં લોકોને મળીને સાંત્વન આપતા રાહુલ ગાંધી.
કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી ગઈ કાલે સવારે હાથરસ પહોંચ્યા હતા અને મંગળવારે સત્સંગ સમારોહ બાદ થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. હાથરસ જતાં પહેલાં રસ્તામાં રાહુલ ગાંધી અલીગઢના પિલખના ગામમાં પણ લોકોને મળ્યા હતા. સત્સંગ સમારોહમાં પરિવારજનો ગુમાવનારી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ અમને ખાતરી આપી છે કે તેમની પાર્ટી અમને તમામ જરૂરી સહાય કરશે. સત્સંગ સમારોહનું સ્થાન બરાબર નહોતું અને મેડિકલની કોઈ સુવિધા નહોતી. જો સત્સંગ સ્થળે મેડિકલની સુવિધા હોત તો મારી ભાભી સહિત ઘણા લોકોના જીવ બચી ગયા હોત.’
બીજી એક મહિલાએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ અમને મદદ કરવાની ખાતરી આપી છે અને ધીરજ રાખવા કહ્યું છે. આ દુર્ઘટનામાં મારી મમ્મી અને ભાઈનાં મૃત્યુ થયાં છે.’ નીતિન નામની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ અમને મદદ કરવાની ખાતરી આપી છે. અમે તેમને આ મુદ્દો લોકસભામાં ઉપાડવા જણાવ્યું છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને.’