સરકારે આતંકવાદી ગતિવિધિઓમાં સંકળાયેલા હોવાને કારણે પીએફઆઇ પર પ્રતિબંધ લગાવી દીધો હતો
PFI Ban
તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી
બૅન્ગલોર : પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ)ને મોટો ઝટકો લાગ્યો છે. કર્ણાટક હાઈ કોર્ટે પીએફઆઇ પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને યથાવત્ રાખ્યો છે. સરકારે આતંકવાદી ગતિવિધિઓમાં સંકળાયેલા હોવાને કારણે પીએફઆઇ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બૅન્ગલોરમાં રહેતા અને પ્રતિબંધિત સંગઠનના પ્રદેશ અધ્યક્ષ નાસિર અલીએ એને પડકાર્યો હતો. સરકારે આતંકવાદી ગતિવિધિઓમાં કથિત રીતે સંકળાયેલા અને આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાને કારણે પીએફઆઇ તથા એની સાથે સંલગ્ન ઘણાં અન્ય સંગઠનો પર આતંકવાદી વિરોધી કાયદા અન્વયે ૨૮ સપ્ટેમ્બરે પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારે આદેશમાં કહ્યું હતું કે પીએફઆઇના કેટલાક સંસ્થાપક સભ્યો સીમીના નેતાઓ છે અને પીએફઆઇના સભ્યો બંગલાદેશના આતંકવાદી સંગઠન જેએમબી સાથે પણ સંકળાયેલા છે. પીએફઆઇના વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે સંગઠનને ગેરકાયદે જાહેર કરવું ગેરબંધારણીય પગલું હતું. વળી, સરકારે પોતાના આદેશમાં સંગઠનને ગેરકાયદે જાહેર કરવાનું કારણ નહોતું બતાવ્યું. કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ હાઈ કોર્ટને કહ્યું હતું કે સંગઠનના સભ્યો દેશમાં ભયનો માહોલ ઊભા કરી રહ્યા હતા.