કતાર પહોંચેલા વડા પ્રધાને નેવીના અધિકારીઓને છોડવા બદલ કતારના અમીરનો આભાર માન્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દોહામાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દોહા કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને ધન્યવાદ બેઠક પણ કહેવાય છે. પીએમે નેવીના આઠ ભારતીય અધિકારીઓને મુક્ત કરવા માટે કતારના અમીરનો આભાર માન્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દોહામાં તેમના અસાધારણ સ્વાગત માટે કતારમાં ભારતીય ડાયસ્પોરાનો આભાર વ્યક્ત કર્યો હતો. મોદી અબુ ધાબીમાં યુએઈના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ કતારની રાજધાની દોહા પહોંચ્યા હતા. ૨૦૧૬માં તેમણે પહેલી વખત કતારની મુલાકાત લીધી હતી અને બુધવારે તેઓ બીજી વખત તેમની સત્તાવાર વિઝિટ માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
દોહામાં મુસ્લિમ વોહરા સમુદાય સહિત અનેક સમુદાયના સભ્યોએ પીએમ મોદીના આગમન પર તેમનું સ્વાગત કર્યું હતું. મોદી કતારના પીએમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીને મળ્યા હતા અને બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા વિશે વાતચીત કરી હતી. ગુરુવારે મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળ્યા હતા અને દ્વિપક્ષીય તેમ જ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.


