મલ્લિકાર્જુન ખડગેના સવાલ પર સરકારે જણાવ્યા આંકડા- મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે ગૃહમાં સરકાર પાસેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લાં ત્રણ વર્ષના વિદેશપ્રવાસ પર થયેલા ખર્ચની માહિતી માગી હતી.
નરેન્દ્ર મોદી
કૉન્ગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે ગૃહમાં સરકાર પાસેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લાં ત્રણ વર્ષના વિદેશપ્રવાસ પર થયેલા ખર્ચની માહિતી માગી હતી. વિદેશ રાજ્ય પ્રધાન પાબિત્રા માર્ગરિટાએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨થી ૨૦૨૪ સુધી કુલ ૩૮ દેશોનો પ્રવાસ કર્યો હતો, જેમાં મોદીના ૨૦૨૨માં નેપાલના પ્રવાસ દરમ્યાન સૌથી ઓછા ૮૦ લાખ એક હજાર ૪૮૩ રૂપિયા અને ૨૦૨૩માં અમેરિકાના પ્રવાસમાં સૌથી વધુ બાવીસ કરોડ ૮૯ લાખ ૬૮ હજાર ૫૦૯ રૂપિયાનો ખર્ચ થયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં અમેરિકાના પ્રવાસ દરમ્યાન ૧૫ કરોડ ૩૩ લાખ ૭૬ હજાર ૪૩૮ રૂપિયાનો ખર્ચ થયો હતો.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની શરૂઆત મે ૨૦૨૨માં જર્મનીના પ્રવાસથી થઈ અને ડિસેમ્બર ૨૦૨૪માં કુવૈતના પ્રવાસ પર સમાપ્ત થઈ હતી. આમ સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર ૩ વર્ષના સમયગાળામાં મોદીએ કરેલા ૩૮ વિદેશપ્રવાસ પાછળ કુલ ૨૫૮ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે.

