જોધપુરમાં ભેગા થયેલા બિશ્નોઈ સમુદાયના અગ્રણીઓનું અલ્ટીમેટમ
બિશ્નોઈ સમાજ
સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન પર બિશ્નોઈ સમાજનો ગુસ્સો વધી રહ્યો છે. જોધપુરમાં ગુરુવારે બિશ્નોઈ સમાજના લોકોએ સલમાન ખાનનું પૂતળું સળગાવ્યું હતું. સલમાન ખાનનું પૂતળું સળગાવીને બિશ્નોઈ સમાજના લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
સલીમ ખાનના નિવેદનથી બિશ્નોઈ સમાજ ઘણો દુખી થયો છે. આથી તેઓ હવે કાળિયારના શિકારના કેસમાં જલદી ન્યાયની માગણી કરી રહ્યા છે. જોધપુરમાં આયોજિત વિરોધ-પ્રદર્શનમાં સમાજના ઘણા લોકોએ ભાગ લીધો હતો. બિશ્નોઈ ધર્મ સ્થાપના-દિવસના અવસરે વિભિન્ન સ્થાનો પરથી એકઠા થયેલા બિશ્નોઈ સમાજના લોકોએ જણાવ્યું હતું કે જો સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો નહોતો તો તેનો કેસ લડવા માટે દિલ્હી, મુંબઈ અને જોધપુરથી વકીલ શા માટે બોલાવવામાં આવ્યા હતા?
ADVERTISEMENT
બિશ્નોઈ સમાજના લોકોએ સલમાન ખાનના વિરોધમાં પ્રદર્શન કર્યાં હતાં અને ચેતવણી આપી હતી કે જો સલમાન ખાન માફી નહીં માગે તો સનાતન હિન્દુ સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે.
બિશ્નોઈ સમાજે કહ્યું હતું કે ‘સલમાન ખાનના પિતાનો દાવો છે કે તેમના દીકરાએ કાળા હરણનો શિકાર કર્યો નહોતો. અમે તેમને જણાવવા માગીએ છીએ કે અમે બિશ્નોઈ છીએ, અમે કોઈને એમ જ બદનામ કરતા નથી. આજથી ૨૬ વર્ષ પહેલાં જ્યારે આ કેસ નોંધાયો હતો ત્યારે બિશ્નોઈ સમાજના તત્કાલીન વિધાનસભ્ય સહિત ઘણા લોકો મોજૂદ હતા. સલીમ ખાન ખોટાં નિવેદનો આપીને લોકોને ગુમરાહ કરી શકે નહીં. સલીમ ખાનના નિવેદનથી આખા સમાજને દુખ થયું છે અને આઘાત લાગ્યો છે. કાળા હરણના શિકારના કેસમાં ન્યાય મેળવવા માટે અમે દરેક સંભવિત પ્રયાસ કરીશું. અમે રસ્તા પર ઊતરીને પણ વિરોધ કરીશું.’
સમાજના લોકોએ જણાવ્યું હતું કે લૉરેન્સ બિશ્નોઈ તેમના સમાજનો છે અને સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ ૨૯ નિયમોનું પાલન કરે છે. સલમાન ખાનને હાલમાં જ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળી હતી અને એના પગલે તેની સુરક્ષા-વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

