ખાનગી સ્કૂલોમાં કમિશનની રમત પર રોક લાગશે, મોંઘાં પાઠ્યપુસ્તકો પર પ્રતિબંધ
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)એ સ્પષ્ટ કર્યું છે કે સરકારી કે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકો સાથે શૈક્ષણિક ભેદભાવ સહન કરવામાં આવશે નહીં. નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT) દ્વારા તેયાર કરવામાં આવેલાં પુસ્તકો જ આઠમા ધોરણ સુધી ભણાવવામાં આવશે.
દેશભરમાંથી ફરિયાદો બાદ પ્રિયાંક કાનૂનગોની આગેવાની હેઠળની બેન્ચે તમામ રાજ્ય સરકારો અને શિક્ષણ મંત્રાલયને નોટિસ ફટકારી છે, જેમાં ૩૦ દિવસની અંદર રિપોર્ટ માગવામાં આવ્યો છે. નમો ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કમિશને આ કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
હજારો રૂપિયાનો ખર્ચ બચશે
ઘણી વાર એવું જોવા મળે છે કે પ્રાઇવેટ સ્કૂલો ઇરાદાપૂર્વક ખાનગી પ્રકાશકોનાં પુસ્તકોનો ઉપયોગ કરે છે જે NCERT કરતાં દસગણા મોંઘાં હોય છે. હવે કમિશને ફરજિયાત કર્યું છે કે ફક્ત NCERT અથવા સ્ટેટ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (SCERT)નાં પુસ્તકો જ આઠમા ધોરણ સુધી ભણાવવામાં આવે. આમ હવે વાલીઓએ પુસ્તકો પર હજારો રૂપિયા ખર્ચવાની જરૂર રહેશે નહીં. કમિશને શિક્ષણ મંત્રાલયને એ પણ પૂછ્યું છે કે આઠમા ધોરણ સુધીનો અભ્યાસક્રમ નિર્ધારિત સરકારી ધોરણોથી કેમ અલગ છે? સ્કૂલો હવે મનસ્વી પુસ્તકો લાદી શકશે નહીં. ૩૦ દિવસની અંદર દરેક સ્કૂલનું ઑડિટ કરવામાં આવશે. જો કોઈ પણ સ્કૂલમાં NCERT સિવાયનાં પુસ્તકો મળી આવશે તો સ્કૂલે એનો જવાબ આપવો પડશે.
