ચીફ મિનિસ્ટરને મળ્યા પછી મમતાનાં ઉમેદવાર ખસી ગયાં, મમતાએ કૉન્ગ્રેસી ઉમેદવારને સમર્થન જાહેર કર્યું તો તેની ધરપકડ થઈ ગઈ
ફાઇલ તસવીર
પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણીમાં શુક્રવારે રાજકીય ઘટનાક્રમ અત્યંત ઝડપથી બદલાયો હતો. મમતા બૅનરજીનાં ઉમેદવારે મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારી સાથેની મીટિંગ પછી ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને ત્યાર બાદ મમતાએ કૉન્ગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું. મમતા બૅનરજીએ કૉન્ગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યાના ગણતરીના કલાકોમાં જ તેમની ધરપકડ થતાં ભારે વિવાદ સર્જાયો છે.
ઉમેદવારી પાછી ખેંચાઈ : શુક્રવારે મમતા બૅનરજીના જૂથનાં ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કર્યા બાદ અચાનક પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું હતું. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૯ સપ્ટેમ્બર છે.
ADVERTISEMENT
કૉન્ગ્રેસને સમર્થન : સંચિતા પ્રધાને નામ પાછું ખેંચતાં નંદીગ્રામમાં મમતા જૂથનો કોઈ ઉમેદવાર રહ્યો નહોતો. ત્યાર બાદ મમતા બૅનરજીએ કાલીઘાટ ખાતે પત્રકાર-પરિષદ યોજીને વિપક્ષી ગઠબંધનને મજબૂત કરવા કૉન્ગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને ટેકો આપવાની જાહેરાત કરી હતી.
અચાનક ધરપકડ : આ જાહેરાતના થોડા જ કલાકો બાદ બંગાળ પોલીસે ચાંદીપુરની એક હોટેલમાંથી મિલન પ્રધાનની ધરપકડ કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેમની સામે હત્યાના ૩ અને આર્મ્સ એક્ટ હેઠળનો એક એમ કુલ ૪ વૉરન્ટ જાહેર થયાં હતાં.
હાઈ કોર્ટમાં જશે કૉન્ગ્રેસ : કૉન્ગ્રેસે BJPનું ખરાબ વર્તન ગણાવીને લોકશાહીને કચડવાનો આક્ષેપ કર્યો છે. પ્રદેશ અધ્યક્ષ શુભંકર સરકારે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસ હવે હાઈ કોર્ટ અને ચૂંટણીપંચમાં આ વિશે લેખિત ફરિયાદ કરશે. જોકે BJPએ આ આક્ષેપો ફગાવીને પોલીસ માત્ર પોતાની કાયદાકીય કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું.
