આજે હાઈ કોર્ટમાં ડૉક્ટરોની હડતાળના મુદ્દે સુનાવણી થવાની છે
મમતા બૅનરજી
કલકત્તામાં હડતાળ પર ઊતરેલા જુનિયર ડૉક્ટરો અને મુખ્ય પ્રધાન મમતા બૅનરજી વચ્ચે ગઈ કાલે સાંજે ૭થી રાતે ૯ વાગ્યા વચ્ચે બે કલાક લાંબી બેઠક યોજાઈ હતી. બેઠકમાં મમતા બૅનરજીએ જુનિયર ડૉક્ટરોને હડતાળ પાછી ખેંચી લેવાની વિનંતી કરી હતી. સાંજે ૬.૨૦ વાગ્યે ૩૦ જુનિયર ડૉક્ટરો પૂરતી સુરક્ષા-વ્યવસ્થા સાથે આ બેઠક માટે તેઓ કાલીઘાટ પહોંચ્યાં હતાં અને સાંજે ૭ વાગ્યે બેઠક શરૂ થઈ હતી. ડૉક્ટરોએ તેમની માગણીઓ ધરાવતો પત્ર મુખ્ય પ્રધાનને સોંપ્યો હતો.
આજે હાઈ કોર્ટમાં ડૉક્ટરોની હડતાળના મુદ્દે સુનાવણી થવાની છે એમાં અમને ઉકેલ આવવાની આશા છે એમ મમતા બૅનરજીએ જણાવ્યું હતું. કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજમાં ૯ ઑગસ્ટે એક જુનિયર ડૉક્ટર પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા થઈ એના વિરોધમાં જુનિયર ડૉક્ટરો હડતાળ પર ઊતરી ગયા છે. આ મુદ્દે સમાધાન લાવવા અગાઉ ચાર વખત બેઠક આયોજિત કરવામાં આવી હતી, પણ ડૉક્ટરોએ એમાં ઉપસ્થિત રહેવા માટે લાઇવ સ્ટ્રીમિંગ અને વિડિયો રેકૉર્ડિંગની માગણી કરી હતી જેને રાજ્ય સરકારે ઠુકરાવી દીધી હતી એટલે ડૉક્ટરો એમાં ગયા નહોતા.