આ એન્જિનિયરે શોધેલી પ્લાસ્ટિક-વેસ્ટનો ઉપયોગ કરીને રસ્તો બનાવવાની ટેક્નૉલૉજીથી ભારતમાં લગભગ ૧ લાખ કિલોમીટરથી વધુ રસ્તા બની ગયા છે
પ્લાસ્ટિકના રોડ પછી હવે મજબૂત પથ્થર સાથે ડૉ. રાજગોપાલન.
જે સંશોધન માટે કરોડો અને અબજો રૂપિયા મળતા હોય એ શોધ દેશને નિઃશુલ્ક સમર્પિત કરી દેવા માટે જિગર જોઈએ અને એ જિગર તામિલનાડુના પ્રોફેસર ડૉ. રાજગોપાલન વાસુદેવનમાં છે. આ એન્જિનિયરે શોધેલી પ્લાસ્ટિક-વેસ્ટનો ઉપયોગ કરીને રસ્તો બનાવવાની ટેક્નૉલૉજીથી ભારતમાં લગભગ ૧ લાખ કિલોમીટરથી વધુ રસ્તા બની ગયા છે
‘હેલો, વાસુદેવન સ્પીકિંગ...’
ADVERTISEMENT
રાતના સાડાઅગિયાર વાગ્યા હોય કે સવારના સાડાછ થયા હોય, મદુરાઈના જૂના જમાનાની માનવામાં આવતી લૅન્ડલાઇન પર ફોન કરો એટલે તમને અત્યંત સૌમ્ય અને શાંત અવાજ સંભળાય. જીવનના ૭ દશક પસાર કરી ચૂકેલા એ અવાજમાં થાક ન હોય. ઊલટું વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતો શોધ્યા પછી અવાજમાં ભળી ગયેલો ઉમળકો અને ઉત્સાહ તમને સ્પર્શે. આ એ જ પ્રોફેસર છે જેમણે આખી દુનિયા જેને શ્રાપ ગણીને માથે હાથ દઈને બેસી ગઈ હતી એ નકામા પ્લાસ્ટિકના કચરામાંથી હિન્દુસ્તાનના રસ્તાઓની કાયાપલટ કરી નાખી. આજે દેશભરના હાઇવે અને શહેરી વિસ્તારોની સડક પરથી પસાર થતી વખતે તમને જો સ્મૂધ ડ્રાઇવિંગનો અનુભવ થાય તો સમજી લેજો કે સડકના એ કાળા ડામરની અંદર આ હિન્દુસ્તાની પ્રોફેસરના સાયન્સની કમાલ છુપાયેલી છે. દુનિયા તેમને ‘પ્લાસ્ટિક મૅન ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખે છે, પણ આધાર કાર્ડ પર તેમનું નામ છે પ્રોફેસર ડૉ. રાજગોપાલન વાસુદેવન.
ટીવી-શોનો ચમત્કાર
વાત છે ૨૦૦૧ની. એ સમયે દેશભરમાં પ્લાસ્ટિક સામે વિરોધનો એક મોટો જુવાળ ઊભો થયો હતો. પર્યાવરણરક્ષકોથી માંડીને મીડિયા અને રાજકીય પદાધિકારીઓએ ચીસમચીસ કરી મૂકી હતી કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકો, પ્લાસ્ટિક પૃથ્વી માટે અત્યંત હાનિકારક છે.
એક સાંજે મદુરાઈની ત્યાગરાજાર કૉલેજ ઑફ એન્જિનિયરિંગના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. વાસુદેવન ટીવી પર ન્યુઝ-ચૅનલ જોતા હતા. નૅશનલ ન્યુઝ-ચૅનલના એ શોમાં ટીવીની સ્ક્રીન પર દેશના એક જાણીતા ડૉક્ટર હતા, જે કહેતા હતા કે પ્લાસ્ટિક પાણીમાં ઓગળે છે જેને લીધે જળાશયો ઝેરી બને છે, માનવજાત માટે આ બહુ મોટું સંકટ છે, જો સરકાર નહીં સમજે તો એક સમય એવો આવશે...
આગળના શબ્દો ડૉ.વાસુદેવનને યાદ નથી રહ્યા, કારણ કે બાકીની વાત તેમણે સાંભળી જ નહોતી. ઉપરનાં પહેલાં બે વાક્યો સાંભળતાં જ પ્રોફેસર વાસુદેવન ખુરસીમાંથી ઊભા થઈ ગયા હતા. તેમના મનમાં વિચાર ઝબકી ગયો હતો કે આ તો કેવું અર્ધસત્ય? આ કઈ રીતે ચલાવી લેવાય? આજે પણ તેમને એ દિવસ યાદ છે. ડૉ. વાસુદેવન કહે છે, ‘પ્લાસ્ટિક પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, હાઇડ્રોકાર્બનનું બનેલું છે. એ પાણીમાં ક્યારેય ઓગળે જ નહીં. આ તો સાવ ખોટી અને અવાસ્તવિક વાત છે. તેમની વાતમાં એક જ વાત સત્ય હતી કે પૃથ્વી માટે પ્લાસ્ટિક હાનિકારક છે, બાકી બધી વાત ખોટી...’
એ ગેરસમજે પ્રોફેસરના મનમાં એક તણખો ચાંપી દીધો અને તેમણે પહેલી વાર દેશભરમાં ચાલી રહેલી પ્લાસ્ટિક બૅનની ચળવળ વિશે જાણવાનું અને એ ચળવળનો સ્ટડી કરવાનું શરૂ કર્યું. વાસ્તવિકતા તેમને ખબર હતી અને એટલે જ તે સમજતા હતા કે પ્લાસ્ટિક વજનમાં હલકું અને સસ્તું છે, વૉટરપ્રૂફ છે એટલે ટકાઉ છે. ગરીબ કે સામાન્ય મિડલ ક્લાસ ફૅમિલીની રૂટીન લાઇફમાં પ્લાસ્ટિકની થેલીઓ, ડબ્બા અને પૅકિંગ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એવા સમયે જો રાતોરાત પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાય તો કૉમનમૅનનું બજેટ બગડી જાય.
આ વાસ્તવિકતા સામે પણ એક મોટો પ્રશ્ન હતો.
જો પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ ન મૂકો તો આ કચરાનો નિકાલ કેવી રીતે કરવો? એને બાળવાથી ઉત્પન્ન થતો ઝેરી ગૅસ ફેફસાં બગાડે અને જો જમીનમાં દાટે તો સદીઓ સુધી સડતું ન હોવાથી એ વરસાદી પાણીને પેટાળમાં ઊતરવા દેતું નથી. ત્રીજો ઉપાય, રસ્તા પર એમ જ ફેંકી દો તો અબોલ પશુઓના પેટમાં જઈને એમનો જીવ લે. ડૉ. વાસુદેવન કહે છે, ‘મને ત્યારે પહેલી વાર સમજાયું કે સમસ્યા પ્લાસ્ટિકમાં નહીં, આપણી માનસિકતામાં છે. કચરો ત્યાં સુધી જ કચરો છે જ્યાં સુધી આપણે એનો સાચો ઉપયોગ શોધી નથી શકતા. જો ગોબરમાંથી ગૅસ મળે છે એ વાત શોધી ન શકાઈ હોત તો આજે પણ ગામડાંઓ માટે ગોબર એક કચરો જ હોત.’
આ એ સમયની વાત છે જે સમયે દુનિયા 3Rની વાત કરતી.
Reduce, Reuse, Recycle.
ડૉ. વાસુદેવન કહે છે, ‘આની વચ્ચે મારે ચોથો R ઉમેરવાનો હતો - Rethink. એ ઉમેરતાં પહેલાં મારે પોતાને એના પર કામ કરવાનું હતું.’
બસ, પછી શું? પ્રોફેસરે કૉલેજની લૅબમાં ધામા નાખી દીધા.
લૅબ અને મૅજિક
કેમિસ્ટ્રીનો પાયાનો એક નિયમ છે - Like Attracts Like. મતલબ કે સરખા ગુણધર્મવાળા પદાર્થો એકબીજા તરફ આકર્ષાય. લૅબોરેટરીમાં પ્રયોગો કરતાં ડૉ. વાસુદેવને જોયું કે રસ્તા બનાવવા માટે જે ડામર (સાયન્ટિફિક નામ બાઇટુમેન) વપરાય છે એ પણ પેટ્રોલિયમ રિફાઇનરીની બાય-પ્રોડક્ટ છે. ડામર હાઇડ્રોકાર્બનનું જ એક મિક્સચર છે તો પ્લાસ્ટિક પણ હાઇડ્રોકાર્બનના પૉલિમર્સમાંથી બનેલું છે. જો બન્નેનું ગોત્ર એક જ હોય તો બન્ને દોસ્તી કેમ ન કરી શકે?
સવાલ જ વિજ્ઞાનનો ખોરાક છે
મનમાં જન્મેલા આ સવાલના આધારે ડૉ. વાસુદેવને કૉલેજની લૅબમાં નવા પ્રયોગો શરૂ કર્યા. વેફર્સનાં રૅપર્સ, બિસ્કિટનાં પૅકેટ, પાણીની બૉટલોથી લઈને કચરાપેટીમાં નાખવાની પણ જેની મનાઈ છે એ ૫૦ માઇક્રોનથી પાતળી સિંગલ-યુઝ પ્લાસ્ટિકની થેલીઓ એકઠી કરીને પ્રોફેસરે મશીનમાં એના બારીક ટુકડા કરી નાખ્યા. કહોને એનો ભૂકો જ કરી નાખ્યો.
ડૉ. વાસુદેવને શોધી કાઢ્યું કે જ્યારે કપચી એટલે કે કાંકરીને ૧૬૫ ડિગ્રીથી ૧૭૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે અને એના પર પેલો ઝીણા પ્લાસ્ટિકનો છંટકાવ કરવામાં આવે તો અડધાથી એક મિનિટમાં જ પ્લાસ્ટિક પીગળીને કપચી પર એક ઑઇલી અને નરી આંખે જોઈ ન શકાય એટલું પાતળું લેયર બનાવી દે છે.
ડૉ. વાસુદેવન નવેસરથી કામ પર લાગ્યા. પરિણામે તેમને બીજું રિઝલ્ટ એ મળ્યું કે પ્લાસ્ટિકના આછા આવરણવાળી કપચી પર ૧૬૦ ડિગ્રીએ ગરમ કરેલો ડામર ઉમેરવાથી પેલું પીગળેલું પ્લાસ્ટિક ગુંદર જેવું કામ કરે છે. એ પ્લાસ્ટિકના લેયરે પથ્થર-ડામરને એવી અદ્ભુત મજબૂતીથી બાંધી લીધાં કે બન્ને વચ્ચેની સૂક્ષ્મ જગ્યા પણ પુરાઈ ગઈ. સામાન્ય રીતે ડામરના રસ્તા પર પાણી પડે એટલે ડામર ઊખડવા માંડે અને ખાડા પડે, પણ આ રીતે તૈયાર કરેલી પ્લાસ્ટિકવાળી કપચીને લીધે પ્લાસ્ટિકનું કવચ બનતું હોવાથી પાણી અંદર દાખલ જ નથી થતું.
૬૦ ફુટનો પહેલો રસ્તો
લૅબમાં પ્રયોગ સફળ થાય ત્યાં જ વાત પૂરી નથી થતી, પ્રૅક્ટિકલી એ કેટલું શક્ય છે એ સૌથી વધારે મહત્ત્વનું બને છે. ડૉક્ટર વાસુદેવનના પ્રયોગને પણ આ જ વાતુ લાગુ પડતી હતી. દુનિયા પુરાવા માગતી હતી. સદ્ભાગ્યે એ અરસામાં મિસાઇલમૅન તરીકે ઓળખાતા દેશના મહાન સાયન્ટિસ્ટ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ ત્યાગરાજાર એન્જિનિયરિંગ કૉલેજની મુલાકાતે આવ્યા અને તેમની સામે વાસુદેવને પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું.
અબ્દુલ કલામ ખુશ થઈ ગયા અને તેમણે વાસુદેવનને કહ્યું કે આ સંશોધન માત્ર કાગળ પર ન રહેવું જોઈએ, કૉલેજના કૅમ્પસમાં જ આનો રસ્તો બનાવીને બતાવો. કલામે બહુ મહત્ત્વનું એક સજેશન પણ આપ્યું કે શક્ય હોય તો રસ્તાનો રંગ ગ્રે રાખવો, કારણ કે કાળો રંગ ગરમી વધુ પકડી રાખે છે; જો એવું થયું તો તમારા પ્રયોગમાં નવી અડચણ આવશે.
વાત વર્ષ ૨૦૦૨ની છે.
પ્રોફેસરે કૉલેજના પરિસરમાં
પ્લાસ્ટિક-ડામરના મિશ્રણથી ૬૦ ફુટ લાંબો પહેલો એક્સપરિમેન્ટલ રોડ તૈયાર કર્યો. ચોમાસાં આવ્યાં અને ગયાં, કાળઝાળ ઉનાળા તપ્યા પણ કૉલેજમાં બનેલો એ ૬૦ ફુટનો રસ્તો ટસનો મસ ન થયો.
ન ક્યાંય તિરાડ, ન એક પણ ખાડો.
એક્સલન્ટ રિઝલ્ટના આધારે ૨૦૦૬માં આ સ્પેશ્યલાઇઝ્ડ ટેક્નૉલૉજી માટે ડૉક્ટર વાસુદેવનને ભારત સરકાર તરફથી સત્તાવાર પેટન્ટ આપવામાં આવ્યા.
આવી કરોડોની ઑફરો
આજના સમયમાં કોઈ નાનું એવું સ્ટાર્ટઅપ કરે અને જરાક સક્સેસ મળે તો બીજી સેકન્ડે કરોડોમાં વેચવા ભાગે છે. વાસુદેવનની આ શોધ જ્યારે ઇન્ટરનૅશનલ જર્નલમાં પ્રસિદ્ધ થઈ ત્યારે જપાન, ચીન અને યુરોપિયન દેશોની મલ્ટિનૅશનલ કંપનીઓ તેમના ઘરના દરવાજે ચેકબુક લઈને ઊભી રહી ગઈ તો સાથોસાથ ફૉરેનની કન્સ્ટ્રક્શન કંપનીઓ પણ આ પેટન્ટ ખરીદવા કરોડો રૂપિયાની ઑફર લઈને આવી ગઈ. જોકે વાસુદેવનના હિન્દુસ્તાની દિલે ના પાડી અને વાસુદેવને એ કંપનીઓને નમ્રતાપૂર્વક હાથ જોડી દીધા. વાસુદેવન કહે છે, ‘મારા પિતાએ મને શીખવ્યું હતું કે પૈસા તો ગમે ત્યારે કમાઈ શકાશે, દેશના વિકાસ અને ભલા માટે યોગદાન આપવાની તક વારંવાર નથી મળતી. આ ટેક્નૉલૉજી મારા ભારતની ધરતી પરથી જન્મી છે એટલે એના પર પહેલો હક મારા દેશનો અને મારા દેશવાસીઓનો રહેશે.’
મજાની વાત એ છે કે આવી ડાયલૉગબાજીને માત્ર બાયોગ્રાફી માટે સીમિત રાખવાને બદલે તેમણે પાંચ પૈસાની રૉયલ્ટી કે ફી લીધા વિના આ ક્રાન્તિકારી પેટન્ટ ભારત સરકારને સાવ નિઃશુલ્ક આપી દીધા અને સરકારે પણ આ અદ્ભૂત આવિષ્કારનું મૂલ્ય સમજીને નવેમ્બર ૨૦૧૫માં દેશના તમામ રોડ ડેવલપર્સ માટે નિયમ બનાવ્યો કે પાંચ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની ૫૦ કિલોમીટરની ત્રિજ્યામાં બનતા તમામ હાઇવે અને રસ્તાઓમાં વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ ફરજિયાત કરવો.
તામિલનાડુમાં એકલા રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૯ જિલ્લાઓમાં ૧૨૦૦ કિલોમીટરથી વધુ રસ્તા બન્યા અને પછી એ રસ્તાઓની સક્સેસ જોઈને માત્ર ૩ જ વર્ષમાં આ આંકડો ૧૬,૦૦૦ કિલોમીટરને પાર કરી ગયો. આજે ભારતભરમાં એક લાખ કિલોમીટરથી વધુ રસ્તા આ પદ્ધતિથી બની ચૂક્યા છે.
કેરલમ, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાનથી લઈને મણિપુર સુધીનાં રાજ્યો પ્રોફેસરની આ ટેક્નિકથી પોતાના રસ્તા મજબૂત કરી રહ્યાં છે. વર્લ્ડ બૅન્કે પણ આ ટેક્નૉલૉજીને વખાણી તો ઇન્ડોનેશિયા, નેધરલૅન્ડ્સ અને બ્રિટન જેવા દેશોએ પણ વાસુદેવનના આ વિચાર પરથી પ્રેરણા લઈને પ્રયોગો શરૂ કર્યા. દેશને શ્રેષ્ઠ સડક આપવા બદલ અને સાથોસાથ દેશને પ્લાસ્ટિક વેસ્ટના શ્રાપમાંથી છોડાવવા બદલ ૨૦૧૮માં ભારત સરકારે ડૉ. વાસુદેવનને પદમશ્રીથી સન્માનિત કર્યા.
અકબંધ નમ્રતા અને સાદગી
આવી અદ્ભુત ખ્યાતિ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર સન્માન અને પદમશ્રી પછી પણ ડૉ. વાસુદેવનના પગ જમીન પર છે. આજે પણ તે સ્ટુડન્ટ્સ વચ્ચે રહેવાનું વધુ પસંદ કરે છે. વાસુદેવન કહે છે, ‘હું ગમે એટલાં સંશોધનો કરું, દિલથી તો હું હંમેશાં એક શિક્ષક જ રહીશ. નવી પેઢી સાથે વાત કરવી, તેમના આઇડિયા સાંભળવા અને તેમને પ્રોત્સાહિત કરવામાં જે આનંદ મળે એના સિવાય દુનિયામાં બીજી કોઈ ખુશી નથી.’
ભારતના ધ પ્લાસ્ટિક મૅન પાસેથી એ તો શીખવું જ રહ્યું કે સાયન્સ અને દેશપ્રેમ જ્યારે સાથે જોડાય ત્યારે કચરાના ઢગલામાંથી પણ સોના જેવો માર્ગ ઊભો કરી શકાય છે.
પ્લાસ્ટિકવાળો રોડ કઈ રીતે કામ કરે છે?
સામાન્ય ડામરના રસ્તા અને વાસુદેવન ટેક્નૉલૉજી વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. વાસુદેવન ટેક્નૉલૉજીમાં સામગ્રીની બચત થાય છે. સામાન્ય રીતે એક કિલોમીટરનો ડામરનો રોડ બનાવવા માટે અંદાજે ૧૦ ટન બાઇટુમેનની જરૂર પડે. પ્રોફેસરની ફૉર્મ્યુલા મુજબ પ્રત્યેક કિલો કપચી સામે ૫૦ ગ્રામ બાઇટુમેન વપરાય, જેમાંથી દસમો ભાગ ડામર ઘટાડીને એની જગ્યાએ કચરો પ્લાસ્ટિક ઉમેરવાનું, જેને કારણે એક કિલોમીટરે એક ટન મોંઘો ડામર બચે છે. આ ઉપરાંત આ ટેક્નિકથી રસ્તાની ઍગ્રિગેટ ઇમ્પૅક્ટ વૅલ્યુ વધે છે અને લોડ સહન કરવાની તાકાત બમણી થઈ જાય છે. ભારેખમ ટ્રકો પસાર થાય તો પણ રસ્તા પર ખાડા પડતા નથી. પાણી સામે તો એ રક્ષણ આપે જ છે, કારણ કે સામાન્ય ડામરનો સૌથી મોટો દુશ્મન વરસાદનું પાણી છે; જ્યારે પ્લાસ્ટિક-કોટિંગવાળા પથ્થરો પાણીને જરાય અંદર ઝરવા નથી દેતા. સૌથી મોટી વાત પૉલ્યુશન.
એન્વાયર્નમેન્ટના નામે ખલીબલી થઈ જતા પર્યાવરણવાદીઓનું કહેવું હતું કે પ્લાસ્ટિક ગરમ થવાથી ડાયોક્સિન જેવો ઝેરી ગૅસ નીકળશે. વાસુદેવને સાબિત કર્યું છે કે પ્લાસ્ટિક જ્યારે ૨૭૦ ડિગ્રીથી વધુ ગરમ થાય ત્યારે જ ઝેરી ગૅસ ઉત્પન્ન કરે છે; પણ અહીં તો પ્રક્રિયામાં પ્લાસ્ટિક ૧૭૦ ડિગ્રી જ ગરમ કરવાનું છે જેનાથી પ્લાસ્ટિક માત્ર નરમ થઈને બાઇન્ડર બને છે, બળતું નથી.
વાત થોડી અંગત
પ્રોફેસર રાજગોપાલન વાસુદેવનનો ઉછેર તામિલનાડુની અત્યંત સામાન્ય મિડલ ક્લાસ ફૅમિલીમાં થયો હતો. તેમનું એજ્યુકેશન તંજાવુર જિલ્લાના કુંભકોણમ ગામમાં થયું. વાસુદેવનની આખી ફૅમિલી પેઢીઓથી વકીલાતના વ્યવસાય સાથે એટલે પેરન્ટ્સની ઇચ્છા હતી કે વાસુદેવન પણ લૉ કરીને વકીલ બને, પણ નાનપણથી જ કેમિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોવાથી તેમણે સાયન્સમાં આગળ જવાનું નક્કી કર્યું. મમ્મી-પપ્પાએ બહુ સમજાવ્યા પણ વાસુદેવન માન્યા નહીં એટલે તેમણે વાસુદેવનની જીદ સામે પોતાની ઇચ્છા મારી અને વાસુદેવને ચેન્નઈની મદ્રાસ યુનિવર્સિટીમાંથી BSc અને MSc કર્યું અને ૧૯૭૪માં કેમિસ્ટ્રીમાં તેમણે PhD કર્યું.
૭૩ વર્ષના ડૉક્ટર વાસુદેવન અત્યારે મદુરાઈમાં તેમનાં ૬૫ વર્ષનાં પત્ની સાથે રહે છે. તેમને બે સંતાનો છે. દીકરી ડૉ. દીપા પ્રસન્નાએ સાઇકોલૉજીમાં PhD કર્યું છે, જ્યારે દીકરો વસંત સૉફ્ટેવર એન્જિનિયર છે અને બૅન્ગલોરની સેપિયન્ટ નામની IT કંપની સાથે જોડાયેલો છે.
નવરું કોણ બેસે?
આ ટેક્નૉલૉજી શોધ્યા પછી નવરા બેસી રહેવાને બદલે પ્રોફેસર વાસુદેવને તરત નવી દિશામાં કામ શરૂ કર્યું અને એ વખતે તેમના મનમાં વિચાર આવ્યો કે રસ્તા માટે તો અમુક ટકા પ્લાસ્ટિક જ વાપરી શકીશું, પણ દેશમાં પ્લાસ્ટિકની બૉટલો અને કચરાનો ઢગલો એટલો મોટો છે કે હજી પણ પ્લાસ્ટિક વધશે.
વાસુદેવને તરત નવું કામ આદરી દીધું અને પ્લાસ્ટોન ડેવલપ કર્યું.
પ્લાસ્ટોન એટલે પ્લાસ્ટિક અને સ્ટોન એટલે કે પથ્થરનું અદ્ભુત મિશ્રણ. તેમણે કચરામાં ફેંકાતા પ્લાસ્ટિકને પથ્થરની કપચી, ચૂનાનો પથ્થર, સિરૅમિક વેસ્ટ અને ગ્રેનાઇટના ભૂકા સાથે મિક્સ કરીને ઈંટો અને બ્લૉક્સ બનાવ્યાં. રસ્તાની સરખામણીએ પ્લાસ્ટોનમાં ૪૦ ટકા વધુ પ્લાસ્ટિક વેસ્ટ વપરાય છે. પ્લાસ્ટોનનો એક ચોરસ બ્લૉક બનાવવામાં અંદાજે ૩૦૦ પ્લાસ્ટિકની થેલીઓ અને ચારથી ૬ પાણીની બૉટલો વપરાય છે.
સામાન્ય સિમેન્ટના બ્લૉક સતત વરસાદમાં ધોવાઈને અથવા લીલ બાઝી જવાથી તૂટી જાય, જ્યારે પ્લાસ્ટોન બ્લૉક સંપૂર્ણપણે
નૉન-પોરસ એટલે કે છિદ્ર વિનાનું છે. એમાં પાણીનું ટીપું પણ જતું નથી. એક ચોરસ મીટરની પ્લાસ્ટોન ટાઇલ્સ બનાવવાનો ખર્ચ માત્ર ૧૦૦ રૂપિયા છે. વાસુદેવન કહે છે, ‘માત્ર ૬૦ બ્લૉક્સથી એટલે કે ૬૦૦૦ રૂપિયામાં એક સસ્તું, ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ શૌચાલય બનાવી શકાય. આ ઉપરાંત કૅનલમાં પાણીનું લીકેજ રોકવા કૅનલના અસ્તર તરીકે અને ફૂટપાથ બનાવવા માટે સિમેન્ટને બદલે પ્લાસ્ટોનનો ઉપયોગ કરવાથી ટકાઉ અને પૉલ્યુશન-ફ્રી દેશ બની શકે છે.’
