વિરોધ પક્ષો તેમના રાજીનામાની ઘણા સમયથી માગ કરી રહ્યા હતા
બીરેન સિંહે ગઈ કાલે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા બાદ રાજીનામું આપ્યું
મણિપુરના મુખ્ય પ્રધાન બીરેન સિંહે ગઈ કાલે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા બાદ રાજીનામું આપ્યું હતું. વિરોધ પક્ષો તેમના રાજીનામાની ઘણા સમયથી માગ કરી રહ્યા હતા. મણિપુરમાં મૈતેઇ અને કુકી સમાજ વચ્ચે જમીન અને જનગણનાને લઈને છેલ્લા બાવીસ મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં ૨૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
રાજ્યમાં મૈતેઇ સમાજની વસ્તી ૫૩ ટકા છે, પણ તેઓ મણિપુરના દસ ટકા ક્ષેત્રમાં જ રહે છે. તેમની માગ પોતાને શેડ્યુલ ટ્રાઇબ (ST)માં સામેલ કરવાની છે. જો સરકાર તેમને STમાં સામેલ કરે તો તેઓ પહાડી વિસ્તારમાં જમીન ખરીદી શકશે. અત્યારે ત્યાં આદિવાસી સમાજના લોકો રહે છે. તેમની આ માગનો કુકી સમાજના લોકો જોરદાર વિરોધ કરી રહ્યા છે. આ અને જનગણનાના મુદ્દે આ બે સમાજ વચ્ચે જબરદસ્ત ઘર્ષણ ચાલી રહ્યું છે. એપ્રિલ ૨૦૨૩થી મણિપુરમાં તોફાનો શરૂ થયાં હતાં. રાજ્યના મુખ્ય પ્રધાન બીરેન સિંહ રાજીનામું આપવા વિશે અત્યાર સુધી એવું કહેતા હતા કે તેમની સરકાર રાજ્યમાં શાંતિ કાયમ કરવાની કોશિશ કરી રહી છે.

