એક મહિનાથી ચાલી રહેલી હડતાળ ખતમ કરવા માટેની બેઠકનું લાઇવ ટેલિકાસ્ટ કરવાની મુખ્ય પ્રધાને ના પાડતાં ચર્ચા ભાંગી પડી
ફાઇલ તસવીર
કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલની ડૉક્ટર પર બળાત્કાર કરીને હત્યા કરવાના મામલામાં ન્યાય મેળવવાની માગણી કરીને એક મહિનાથી જુનિયર ડૉક્ટરો હડતાળ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ડૉક્ટરોની હડતાળ પૂરી કરવા માટે ગઈ કાલે બેઠક બોલાવી હતી. ડૉક્ટરોએ બેઠક લાઇવ ટેલિકાસ્ટ કરવાની માગણી કરી હતી, જે મમતા બૅનરજીએ નકારી દીધી હતી એટલે ડૉક્ટરો બેઠકમાં નહોતા ગયા. બાદમાં આ વિશે મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘મને સત્તાની લાલચ નથી. તેઓ ચાહતા હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું. ખુરસી કુરબાન કરી દઈશ.’
મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ વધુમાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશને લીધે અમે બેઠકનું લાઇવ ટેલિકાસ્ટ ન કરી શકીએ. આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે. તેઓ લાઇવ કરી શકે છે, મને કોઈ વાંધો નથી. આ કેસની આગામી સુનાવણી ૧૭ સપ્ટેમ્બર થશે. અમે ડૉક્ટરોને ૪.૪૫ વાગ્યા સુધી બેઠકમાં આવવાનું કહ્યું હતું. તેઓ બે કલાક મોડા આવ્યા હતા તો પણ અમને કંઈ નહોતું કહ્યું. મને ખબર છે કે લોકો ગુસ્સામાં છે. અભયાને ન્યાય મળે એ આપણે બધા ચાહીએ છીએ. CBI આ કેસનો જલદી ચુકાદો આપે.’