Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એવાં રસોડાંઓમાં જઈએ જ્યાં LPGની અછતની ચિંતા નથી

એવાં રસોડાંઓમાં જઈએ જ્યાં LPGની અછતની ચિંતા નથી

Published : 15 March, 2026 07:13 AM | Modified : 15 March, 2026 01:24 PM | IST | Mumbai
Laxmi Vanita

ગૅસના ગજબનાક વિશ્વનું એ-ટુ-ઝેડ જાણવાની સાથે એક અનોખી દુનિયામાં પણ ડોકિયું કરીએ

બાયોગૅસ પ્લાન્ટ

બાયોગૅસ પ્લાન્ટ


પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયે વ્યાપક ચર્ચા બાદ વિવિધ રાજ્યોમાં પસંદગીના ઉદ્યોગો માટે કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરનું વિતરણ ફરી શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં જૉઇન્ટ સેક્રેટરી (માર્કેટિંગ અને ઑઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ કહ્યું હતું કે ‘કમર્શિયલ ગ્રાહકો હવે LPG મેળવશે અને અનેક રાજ્યોમાં વિતરણ પહેલેથી જ ચાલુ છે. વિવિધ રાજ્યોમાં કમર્શિયલ સિલિન્ડરનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને ગ્રાહકોને એ મળવાનું શરૂ થઈ ગયું છે.’

આ પગલાથી ભારતીય ઉદ્યોગોને અને ખાસ કરીને હૉસ્પિટૅલિટી ઉદ્યોગને મોટી રાહત મળવાની અપેક્ષા છે જેમને ગૅસની અછત વચ્ચે નોંધપાત્ર અસર પડી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે પ્રવર્તમાન જિયોપૉલિટિકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને LPG પુરવઠો સરકાર માટે ચિંતાનો વિષય છે, પણ અત્યાર સુધી કોઈ આઉટ ઑફ સ્ટૉકની પરિસ્થિતિ આવી નથી.




બિહાર રાજ્યના ગયા જિલ્લાના બતાસપુર ગામે બાયોગૅસ ટેક્નૉલૉજીના ઉપયોગથી અંદાજે ૫૦ ઘરોમાં રસોઈ બને છે. જે લોકો નિયમિત ગાયનું છાણ આપે છે તેમને ગૅસ મફતમાં અથવા ખૂબ ઓછા ખર્ચે મળે છે. બાયોગૅસની કિંમત યુનિટદીઠ પચીસ રૂપિયા છે. અંદાજે મહિનામાં ઘરદીઠ લગભગ ૨૦ યુનિટ જેટલો વપરાશ થાય છે.


પુણેનાં વિશાખા ચાંધેરે સ્વચ્છ રસોઈ ટેક્નૉલૉજી અને નવીનીકરણીય ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. તેમણે રસોઈમાં LPG અને અન્ય ફૉસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવા માટે Orjabox નામની એક સામાજિક સંસ્થા સ્થાપી છે જે લોકો સુધી સ્વચ્છ અને પર્યાવરણફ્રેન્ડ્લી રસોઈનાં સાધનો પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

બૅન્ગલોરમાં રહેતી રેવા મલિકે પોતાની રોજિંદી રસોઈ માટે સૌરઊર્જાનો ઉપયોગ શરૂ કર્યો છે. તેણે લગભગ ૨૦૨૦ની આસપાસ LPGનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તે ઘરની છત પર મૂકેલા સોલર કુકરનો ઉપયોગ કરીને દાળ, ભાત, શાકભાજી, પૌંઆ, કેક, બ્રેડ, મગફળી જેવી ઘણી વાનગીઓ માત્ર સૌરઊર્જાથી બનાવે છે. વાદળછાયા દિવસોમાં રસોઈ કરવી મુશ્કેલ હોય છે તેથી ક્યારેક વિકલ્પ તરીકે લાકડાના નાના ચૂલાનો ઉપયોગ કરે છે.

પંજાબના હોશિયારપુર જિલ્લાના લમ્બ્રા ગામનો બાયોગૅસ પ્લાન્ટ દરરોજ આશરે ૨૫૦૦ કિલો ગાય-ભેંસનાં છાણાંનો ઉપયોગ કરે છે. દરરોજ લગભગ ૧૦૦ ક્યુબિક મીટર એટલે ૧૦૦૦ લીટર જેટલો ગૅસ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સરખામણીએ LPG સિલિન્ડરનો ખર્ચ ઘણો વધારે હોવાથી ઘણા પરિવારો સંપૂર્ણ રીતે LPGનો ઉપયોગ બંધ કરીને બાયોગૅસ પર નિર્ભર બની ગયા છે. 

ગૅસના સંકટ દરમ્યાન ઘણા લોકો સિલિન્ડર માટે ચિંતિત છે અને એની ઉપલબ્ધતા વિશે ચિંતા કરે છે ત્યારે ભારતના કેટલાક ઇનોવેટર્સ ઘણાં વર્ષો પહેલાંથી જ વૈકલ્પિક ઊર્જાના રસ્તાઓ શોધી ચૂક્યા હતા. કેટલાક લોકોએ સૌરઊર્જાથી રસોઈ બનાવવાના પ્રયોગો શરૂ કર્યા તો કેટલાકે રસોડાના કચરામાંથી બાયોગૅસ બનાવવાની પદ્ધતિ વિકસાવી, જ્યારે કેટલાકે ખેતીના અવશેષોથી બનેલા બાયોમાસ ઈંધણનો ઉપયોગ શરૂ કર્યો. આ લોકોએ માત્ર પોતાના માટે જ નહીં, સમાજ માટે પણ એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો કે રસોઈ માટે ફક્ત LPG એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ પર નિર્ભર રહેવાની જરૂર નથી; સૌરઊર્જા, બાયોગૅસ અને બાયોમાસ જેવા સ્રોતોનો ઉપયોગ કરીને સ્વચ્છ, ટકાઉ અને સ્થાનિક ઊર્જા ઉપલબ્ધ થઈ શકે છે. આજના સમયમાં જ્યારે ઈંધણની અછત અને પર્યાવરણની સમસ્યાઓ વિશે ચર્ચા વધી રહી છે ત્યારે આવા લોકોના પ્રયોગો અને વિચારો વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે, કારણ કે તેઓ બતાવે છે કે નવી વિચારધારા અને ઇનોવેશન દ્વારા આપણે ભવિષ્ય માટે વધુ સુરક્ષિત અને પર્યાવરણફ્રેન્ડ્લી જીવનશૈલી અપનાવી શકીએ છીએ. આજે LPGની બુકિંગ અને ડિલિવરીમાં લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે કે કદાચ ગૅસ વગર કામ ચલાવવું પડશે. તેઓ મોટા ભાગનું કામ ઇન્ડક્શન પર કરી રહ્યા છે અને ખાવાનું ગરમ કરવા માટે પણ અવનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ભારતના કેટલાય લોકોને ગૅસની કટોકટીની જરાય ચિંતા નથી, કારણ કે તેમણે વર્ષો પહેલાં જ ગૅસ વાપરવાનું બંધ કરી દીધું હતું. એ કેવી રીતે શક્ય છે? જાણીએ કેવી રીતે આ લોકો સૌરઊર્જા અને બાયોગૅસને આશીર્વાદ માની રહ્યા છે.

બિહારના ગામમાં છાણાં આપો અને ગૅસ વાપરો પદ્ધતિ ચાલે છે

બિહાર રાજ્યના ગયા જિલ્લાના બતાસપુર ગામે બાયોગૅસ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને રસોઈ માટે LPG પરની નિર્ભરતા ઘટાડવાનો સફળ પ્રયાસ કર્યો છે. આ ગામમાં સમુદાય આધારિત બાયોગૅસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ગામનાં અંદાજે પચાસેક ઘરોમાં બાયોગૅસથી જ રસોઈ થાય છે. ગામના લોકોને પ્રાણીઉછેર અને છાણાં એકઠાં કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. એક કિલો છાણાં ૫૦ પૈસાના ભાવે વેચાય છે. ગામના લોકો દરરોજ ગાયનું છાણ અને અન્ય સજીવ કચરો એટલે કે બાયોડિગ્રેડેબલ કચરો એકઠો કરીને પ્લાન્ટમાં આપે છે. આ કચરાને પાણી સાથે મિશ્રિત કરીને બાયોગૅસ ડાઇજેસ્ટરમાં મૂકવામાં આવે છે, જ્યાં ઑક્સિજન વગરની પ્રક્રિયામાં બૅક્ટેરિયા એને વિઘટિત કરે છે અને મિથેનથી ભરપૂર બાયોગૅસ ઉત્પન્ન થાય છે. ઉત્પાદિત બાયોગૅસને એક સ્ટોરેજ ટાંકીમાં એકઠો કરવામાં આવે છે અને પછી પાઇપલાઇન દ્વારા ગામનાં ઘરો સુધી પહોંચાડવામાં આવે છે. ઘરમાં ગૅસના ચૂલા દ્વારા લોકો આ ગૅસનો ઉપયોગ રસોઈ માટે કરે છે. ઘણાં ઘરોમાં ગૅસનાં મીટર પણ લગાવવામાં આવ્યાં છે જેથી વપરાશ પ્રમાણે ચુકવણી થઈ શકે. કેટલાક લોકો નિયમિત ગાયનું છાણ આપે છે તો તેમને ગૅસ મફતમાં અથવા ખૂબ ઓછા ભાવે મળે છે. આ સિસ્ટમનો એક મહત્ત્વનો લાભ એ છે કે બાયોગૅસ બનાવ્યા પછી જે અવશેષ બચે છે એ ઉત્તમ ગુણવત્તાનું ખાતર બને છે. ખેડૂતો એને ખેતરોમાં વાપરે છે જેને કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને રાસાયણિક ખાતર પરનો ખર્ચ ઓછો થાય છે. આ પ્રોજેક્ટથી ગામમાં સ્વચ્છતા પણ વધી છે, કારણ કે ગાયનું છાણ અને કચરો ખુલ્લામાં પડ્યાં રહેતાં નથી. એની સાથે-સાથે પ્રદૂષણ ઓછું થાય છે અને નવી ઊર્જાનો સ્રોત પણ મળે છે. બાયોગૅસની કિંમત યુનિટદીઠ પચીસ રૂપિયા છે. અંદાજે મહિનામાં ઘરદીઠ ૨૦ યુનિટ જેટલો વપરાશ થાય છે. જે લોકો નિયમિત છાણાંનું યોગદાન આપે તેમને આ સુવિધા વધારે સસ્તી પડે છે. આવું જ એક બીજું ગામ છે પંજાબનું.

છેલ્લાં ૧૦ વર્ષથી પંજાબના ગામમાં LPGનો ઉપયોગ નથી થયો

પંજાબ રાજ્યના હોશિયારપુર જિલ્લામાં આવેલું લમ્બ્રા કાંગરી ગામ પણ આ જ પ્રકારની બાયોગૅસ સિસ્ટમ માટે જાણીતું છે. આ ગામનો રહેવાસી જસવિંદર સિંહ સૈની સાઉથ કોરિયા સ્ટડી-ટૂર માટે ગયો હતો અને ત્યાં તેણે એ દેશની વેસ્ટમાંથી ઊર્જા પ્રાપ્ત કરવાની સિસ્ટમનું નિરીક્ષણ કર્યું. ઘરે પાછા ફર્યા બાદ ગામમાં જે રીતે છાણાંનો બગાડ થઈ રહ્યો હતો એ જોઈને તેનું મન ઉદાસ થઈ ગયું હતું. તેણે પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લુધિયાણા અને પંજાબ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પાસે સહાયતા માગી. તેણે બે લાખ રૂપિયાની સહાયથી શરૂ કરેલો પ્રોજેક્ટ ૨૦૧૬ સુધીમાં મલ્ટિપર્પઝ પ્રોજેક્ટમાં તબદીલ થઈ ગયો અને લોકો આજે આ ગામ વિશે વાત કરતા થઈ ગયા. આ બાયોગૅસ સિસ્ટમ લમ્બ્રા કાંગરી મલ્ટિપર્પઝ કો-ઑપરેટિવ સોસાયટી દ્વારા સંચાલિત થાય છે. લગભગ ૪૪ પરિવારો ઘણાં વર્ષોથી LPG સિલિન્ડર પર આધાર રાખ્યા વગર બાયોગૅસથી રસોઈ કરે છે. આ પ્લાન્ટ દરરોજ આશરે ગાય-ભેંસનાં ૨૫૦૦ કિલો છાણાંનો ઉપયોગ કરે છે. આ પ્લાન્ટ દરરોજ લગભગ ૧૦૦ ક્યુબિક મીટર એટલે ૧૦૦૦ લીટર જેટલો ગૅસ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉત્પાદિત બાયોગૅસને અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા સીધો ગામનાં ઘરો સુધી પહોંચાડવામાં આવે છે. ગામમાં ગૅસ સામાન્ય રીતે સવારે લગભગ ૪ વાગ્યાથી રાત્રે લગભગ ૧૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે, જેથી લોકો રોજિંદી રસોઈ સરળતાથી કરી શકે. ખર્ચની દૃષ્ટિએ આ સિસ્ટમ ખૂબ ફાયદાકારક છે. ગામના પરિવારો સામાન્ય રીતે દર મહિને લગભગ ૨૦૦થી ૩૦૦ રૂપિયા જેટલી રકમ ચૂકવે છે. એની સરખામણીએ LPG સિલિન્ડરનો ખર્ચ ઘણો વધારે હોય છે તેથી ઘણા પરિવારો સંપૂર્ણ રીતે LPGનો ઉપયોગ બંધ કરીને બાયોગૅસ પર નિર્ભર બની ગયા છે. આ પ્રણાલી ગામમાં એક સ્થાનિક સર્ક્યુલર ઇકૉનૉમી પણ ઊભી કરે છે. લમ્બ્રા કાંગરી ગામ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા આત્મનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.

બૅન્ગલોરની રેવા મલિક સૌરઊર્જાથી રસોઈ કરે છે

બૅન્ગલોરમાં રહેતી રેવા મલિક એક એવી વ્યક્તિ તરીકે જાણીતી બની છે જેણે પોતાની રોજિંદી રસોઈ માટે સૌરઊર્જાનો ઉપયોગ શરૂ કર્યો છે. પર્યાવરણને બચાવવા અને કોલસા કે પેટ્રોલિયમ જેવા ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશથી તેણે લગભગ ૨૦૨૦ની આસપાસ LPGનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી તે ઘરની છત પર મૂકેલા સોલર કુકરનો ઉપયોગ કરીને દાળ, ભાત, શાકભાજી, પૌંઆ, કેક, બ્રેડ, મગફળી જેવી ઘણી વાનગીઓ માત્ર સૌરઊર્જાથી બનાવે છે. સામાન્ય રીતે ખોરાક તૈયાર થવામાં લગભગ દોઢથી બે કલાક લાગે છે. સોલર કુકરમાં એકસાથે ઘણાં વાસણો મૂકી શકાય છે તેથી એકથી વધુ વાનગીઓ એકસાથે બની શકે છે. આ પદ્ધતિને કારણે છેલ્લાં લગભગ ૪ વર્ષથી તેને LPG સિલિન્ડર ખરીદવાની જરૂર પડી નથી. જોકે રોટલી બનાવવી કે દાળનો વઘાર કરવો થોડું મુશ્કેલ બને છે અને વાદળછાયા દિવસોમાં રસોઈ કરવી પણ મુશ્કેલ હોય છે તેથી ક્યારેક વિકલ્પ તરીકે લાકડાના નાના ચૂલાનો ઉપયોગ કરે છે. એમ છતાં મોટા ભાગની રસોઈ સૌરઊર્જાથી થાય છે. લગભગ ૧૮,૦૦૦ રૂપિયાના એક વખતના ખર્ચે લીધેલા સોલર કુકરને કારણે તેણે ગૅસ-સિલિન્ડર પર થતો ખર્ચ પણ ઘણો બચાવ્યો છે. આવા પ્રયત્ન ક્યારેક વિચારતા કરી નાખે કે આ લોકોને શું ભવિષ્યમાં થનારી કટોકટીનો પહેલેથી જ ખ્યાલ હશે? આવા જ વ્યક્તિગત પ્રયત્ન કરતા લોકોની યાદી બહુ લાંબી છે. તેમના વિશે જાણીએ.

ક્લીન કુકિંગનો પ્રચાર કરતાં પુણેનાં વિશાખા ચાંધેરે

વિશાખા ચાંધેરે પુણેનાં એક ઉદ્યોગસાહસિક અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કાર્યકર છે, જે સ્વચ્છ રસોઈ ટેક્નૉલૉજી અને નવીનીકરણીય ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. તેમણે રસોઈમાં LPG અને અન્ય ફૉસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સોલર કુકિંગ અને બાયોમાસ આધારિત ચૂલાઓ પર અનેક પ્રયોગો કર્યા છે. તેમણે Orjabox નામની એક સામાજિક સંસ્થા સ્થાપી છે જે લોકો સુધી સ્વચ્છ અને પર્યાવરણફ્રેન્ડ્લી રસોઈનાં સાધનો પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેમના ઘરની છત પર તેમણે વિવિધ પ્રકારનાં સોલર કુકર સ્થાપિત કર્યાં છે. જેમ કે બૉક્સ પ્રકારનું સોલર કુકર, પૅરાબૉલિક સોલર કુકર અને વૅક્યુમ ટ્યુબ સોલર કુકર. આ સોલર કુકર સૂર્યપ્રકાશની ગરમીનો ઉપયોગ કરીને દાળ, ભાત, શાકભાજી અને અન્ય વાનગીઓ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પૅરાબૉલિક સોલર કુકર ખાસ કરીને વાંકા અરીસાની મદદથી સૂર્યપ્રકાશને એક બિંદુ પર કેન્દ્રિત કરીને વધુ તાપમાન ઉત્પન્ન કરે છે જેથી ઝડપથી રસોઈ થઈ શકે છે. પહેલાં તેમના ઘરમાં દર વર્ષે લગભગ ૮ LPG સિલિન્ડર વપરાતાં હતાં, પરંતુ સોલર કુકિંગ અને વૈકલ્પિક ચૂલાઓના ઉપયોગથી આ વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિશાખા ચાંધેરે વર્કશૉપ અને પ્રદર્શન દ્વારા શાળાઓ, સમુદાયો અને સંસ્થાઓમાં લોકોમાં જાગૃતિ ફેલાવે છે અને લોકોને સોલર કુકિંગ અને સ્વચ્છ રસોઈ ટેક્નૉલૉજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમનો મુખ્ય સંદેશ એ છે કે રસોઈ માટે ફૉસિલ ફ્યુઅલ પર સંપૂર્ણપણે આધાર રાખવાની જરૂર નથી.

પુણેના એન્જિનિયરે વાયુ કૉમ્પૅક્ટ બાયોગૅસ સિસ્ટમ વિકસાવી દીધી

પુણેમાં રહેતા પ્રિયદર્શન સહસ્રબુદ્ધે એન્જિનિયર અને પર્યાવરણપ્રેમી ઉદ્યોગસાહસિક છે જેમણે રસોડામાંથી નીકળતા ભીના કચરાને બાયોગૅસમાં રૂપાંતરિત કરવાનું એક નાનું અને ઉપયોગી ડિવાઇસ બનાવ્યું છે. તેમણે વાયુ (Vaayu) નામની કૉમ્પૅક્ટ બાયોગૅસ સિસ્ટમ વિકસાવી છે જે ઘરેલુ રસોડાના લિવિંગ ઑર્ગેનિઝમ એટલે કે સજીવ કચરા જેમ કે શાકભાજીની છાલ, બચેલો ખોરાક અને અન્ય ઑર્ગેનિક વેસ્ટને મિથેન-સમૃદ્ધ બાયોગૅસમાં ફેરવે છે. ઉત્પન્ન થયેલો ગૅસ એક બૅગ અથવા ટાંકીમાં એકઠો થાય છે અને પાઇપ દ્વારા સીધો રસોડાના ગૅસના ચૂલા સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી જે પ્રવાહી અવશેષ બચે છે એનો ઉપયોગ સજીવ ખાતર તરીકે છોડ અને ખેતી માટે થઈ શકે છે. એટલે કે જે પરિવારોમાં ગાર્ડનિંગ કે ટેરેસ-ફાર્મિંગ થતું હોય તેમના માટે આ આખી સિસ્ટમ ઉપયોગી નીવડે છે. સામાન્ય રીતે દરરોજ લગભગ સાતથી ૧૦ કિલો જેટલા ભીના કચરાથી એક પરિવારની રસોઈ માટે પૂરતો બાયોગૅસ મળી શકે છે. પ્રિયદર્શન સહસ્રબુદ્ધેનો આ ઉપક્રમ કચરા-વ્યવસ્થાપનમાં, સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવામાં અને LPG પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બન્યો છે. તેમના ‘વાયુ’ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે.

નિવૃત્ત આર્મી ઑફિસર તો સોલર કુકિંગમાં બધાથી એક કદમ આગળ છે

અનુરાગ શુક્લા ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ છે જે સોલર કુકિંગના ઉપયોગ માટે જાણીતા બન્યા છે. તેઓ મધ્ય પ્રદેશના મહૂ નજીક રહે છે અને ઘણાં વર્ષોથી સૂર્યઊર્જાથી રસોઈ બનાવવાના પ્રયોગો કરે છે. તેમણે લગભગ ૧૯૯૨માં સોલર કુકરનો ઉપયોગ શરૂ કર્યો હતો જ્યારે તેઓ હજી સેનામાં સેવા આપતા હતા. સોલર કુકિંગ તેમને રસપ્રદ લાગ્યું, કારણ કે એ LPG અને લાકડાં જેવા ઈંધણનો સ્વચ્છ વિકલ્પ છે. નિવૃત્તિ પછી પણ તેમણે પોતાના ઘરમાં સોલર કુકરનો નિયમિત ઉપયોગ ચાલુ રાખ્યો અને અન્ય લોકોને પણ એને અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. મહૂમાં તેમના ઘરે તેઓ અને તેમનાં પત્ની અર્ચના શુક્લા દાળ, ભાત, શાકભાજી અને કરી જેવી રોજિંદી વાનગીઓ સૌરઊર્જાથી બનાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે સામાન્ય બૉક્સ સોલર કુકરની જગ્યાએ પૅરાબૉલિક સોલર કૉન્સન્ટ્રેટરનો ઉપયોગ શરૂ કર્યો છે. આ પદ્ધતિમાં વાંકા અરીસાવાળી ડિશ સૂર્યપ્રકાશને એક બિંદુ પર કેન્દ્રિત કરે છે અને ત્યાં વધુ તાપમાન ઉત્પન્ન થાય છે જેને કારણે ઝડપથી રસોઈ થઈ શકે છે. લગભગ એક મીટર વ્યાસવાળું સોલર કૉન્સન્ટ્રેટર ૧૦૦થી ૧૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પેદા કરી શકે છે, જ્યારે મોટું કૉન્સન્ટ્રેટર ૩૫૦થી ૪૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમી ઉત્પન્ન કરી શકે છે. સોલર કુકિંગને કારણે તેમના ઘરમાં LPGનો ઉપયોગ ખૂબ ઓછો થઈ ગયો છે અને એક ગૅસ-સિલિન્ડર લગભગ બેથી અઢી મહિના સુધી ચાલે છે. અનુરાગ શુક્લા અન્ય લોકોને પણ સોલર કુકિંગ અપનાવવા માટે પ્રેરણા આપે છે અને તેમણે પોતાના પરિવારના સભ્યોને પણ સોલર કુકર ભેટમાં આપ્યાં છે. તેમનો અનુભવ દર્શાવે છે કે ભારતમાં પૂરતા સૂર્યપ્રકાશને કારણે સોલર કુકિંગ ઘરેલુ રસોઈ માટે એક વ્યવહારુ અને પર્યાવરણમિત્ર વિકલ્પ બની શકે છે. એ તો ઠીક, તેઓ સોલર ડ્રાયરનો ઉપયોગ પણ કરે છે જેમાં શાકભાજી અને ફળોને ડ્રાય કરીને આખું વર્ષ વાપરી શકાય છે. તેઓ માને છે કે સીઝન વગરનાં શાકભાજી અને ફળોમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ વધુ હોય છે. એટલું જ નહીં, પોતે જે વેજિટેબલ અને ફ્રૂટ્સ સૂકવીને તૈયાર કરે છે એ પૅક થઈને અમેરિકા જાય છે જેમાંથી આવક પણ ઊભી થાય છે.

પુણેના એન્જિનિયર અને પર્યાવરણપ્રેમી પ્રિયદર્શન સહસ્રબુદ્ધેએ રસોડામાંથી નીકળતા ભીના કચરાને બાયોગૅસમાં રૂપાંતરિત કરવાનું એક નાનું અને ઉપયોગી ડિવાઇસ બનાવ્યું છે. તેમણે ‘વાયુ’ (Vaayu) નામની કૉમ્પૅક્ટ બાયોગૅસ સિસ્ટમ વિકસાવી છે જે ઘરેલુ રસોડાનો કચરો જેમ કે શાકભાજીની છાલ, બચેલો ખોરાક અને અન્ય ઑર્ગેનિક વેસ્ટને મિથેન સમૃદ્ધ બાયોગૅસમાં ફેરવે છે. 

સૌરઊર્જા કે બાયોગૅસની વાત આવે ત્યારે આ લોકોનું યોગદાન ભૂલી ન શકાય

૧. પદ‍્મશ્રી સાયન્ટિસ્ટ શરદ પી. કાલેએ નિસર્ગરુણા બાયોગૅસ ટેક્નૉલૉજી વિકસાવી શરદ પી. કાલે ભારતના જાણીતા વૈજ્ઞાનિક છે જેમણે સજીવ કચરાને સ્વચ્છ ઊર્જામાં રૂપાંતરિત કરવાની મહત્ત્વપૂર્ણ ટેક્નૉલૉજી વિકસાવી છે. તેઓ ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (BARC)માં વૈજ્ઞાનિક તરીકે કાર્યરત રહ્યા હતા અને કચરા-વ્યવસ્થાપન તથા નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં સંશોધન કર્યું હતું. તેમણે ‘નિસર્ગરુણા’ નામની બાયોગૅસ ટેક્નૉલૉજી વિકસાવી છે જે રસોડાના કચરા, શાકભાજી અને ફળોની છાલ, બગીચાના કચરા અને અન્ય બાયોડિગ્રેડેબલ પદાર્થોને બાયોગૅસમાં પરિવર્તિત કરે છે. નિસર્ગરુણા પ્રણાલી પરંપરાગત બાયોગૅસ પ્લાન્ટ કરતાં વધુ અસરકારક છે અને એમાં ઉત્પન્ન થતો ગૅસ સામાન્ય રીતે વધુ મિથેન ધરાવે છે તેથી એ વધુ સારું અને સ્વચ્છ 
રસોઈ-ઈંધણ બને છે. આ ટેક્નૉલૉજી ભારતના ઘણા રહેણાક સમાજો, મંદિરો, કૅન્ટીન, બજારો અને સંસ્થાઓમાં સ્થાપિત કરવામાં આવી છે જ્યાં રોજિંદા ઉત્પન્ન થતા કચરાથી ગૅસ બનાવીને રસોઈ માટે એનો ઉપયોગ થાય છે. તેમના યોગદાન બદલ ભારત સરકારે તેમને ૨૦૧૩માં પદ‍્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. 

૨. સાંઝા ચૂલ્હા તો સાંભળ્યું જ હશે - આ છે એની પાછળનું વ્યક્તિત્વ રમેશકુમાર નિભોરિયા પંજાબના એક એન્જિનિયર અને ઇનોવેટર છે જેમણે સ્વચ્છ રસોઈ ટેક્નૉલૉજી વિકસાવવા માટે મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. તેમણે ખેતીમાંથી મળતા કચરાનો ઉપયોગ કરીને રસોઈ માટે વૈકલ્પિક ઈંધણ બનાવવાની વિચારધારા પર કામ કર્યું છે. આ કચરામાં પાકના અવશેષ, લાકડાંનો ભૂકો, ચોખાનાં ફોતરાં અને અન્ય છોડ આધારિત કચરાનો સમાવેશ થાય છે. આ સામગ્રીને દબાવીને નાના પેલેટ્સ બનાવવામાં આવે છે જેને બાયોમાસ પેલેટ્સ કહેવામાં આવે છે અને એ રસોઈ માટે ઈંધણ તરીકે વપરાય છે. રમેશકુમાર નિભોરિયાએ ‘Sanjha Chulha’ નામની એક ખાસ પ્રણાલી પણ વિકસાવી. સાંઝા ચૂલ્હાનો અર્થ સમુદાય માટેનો ચૂલો થાય છે. આ ચૂલો ખાસ કરીને શાળાઓ, સમુદાયનાં રસોડાં અને ધાર્મિક સ્થળોનાં રસોડાંઓ માટે બનાવવામાં આવ્યો છે જ્યાં એકસાથે ઘણા લોકો માટે ભોજન તૈયાર કરવું પડે છે. આ ચૂલામાં બાયોમાસ પેલેટ્સ અથવા ખેતીના કચરાથી બનેલું ઈંધણ વપરાય છે અને એ પરંપરાગત ચૂલાની તુલનામાં ઓછો ધુમાડો પેદા કરે છે. તેમના આ કાર્ય બદલ તેમને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. એક અભ્યાસ અનુસાર એક સાંઝા ચૂલ્હાનો મોટા સામુદાયિક રસોડામાં ઉપયોગ કરવામાં આવે ત્યારે દરરોજ અંદાજે ૪૩ કિલો LPG જેટલું ઈંધણ બચાવી શકે છે. જો આ બચતને વર્ષ માટે ગણવામાં આવે તો ૪૩ કિલો પ્રતિ દિવસ મુજબ લગભગ ૧૫,૬૯૫ કિલો LPG જેટલી બચત એક વર્ષમાં થઈ શકે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 01:24 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK