હજી એક પાશવી બળાત્કાર, ફરી વાર એ અહેસાસ કે મહિલાઓ ક્યાંય સલામત નથી
આલિયા ભટ્ટ
કલકત્તામાં સરકારી હૉસ્પિટલમાં ૩૧ વર્ષની પોસ્ટ-ગ્રૅજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર પર થયેલા પાશવી બળાત્કાર અને તેની હત્યા બાદ આલિયા ભટ્ટ અને પરિણીતિ ચોપડાએ બળાપો કાઢ્યો છે. પરિણીતિએ આરોપીને ફાંસી આપવાની માગણી કરી છે તો આલિયા કહે છે કે ક્યાં સુધી મહિલાઓને આવા પ્રકારની હિંસાનો સામનો કરવો પડશે. એ વિશે ઇન્સ્ટાગ્રામ પર આલિયાએ લખ્યું કે ‘વધુ એક પાશવી બળાત્કાર. ફરી એ વાતનો અહેસાસ કે મહિલાઓ આજે પણ ક્યાંય સુરક્ષિત નથી રહી. વધુ એક ભયાનક અત્યાચારે આપણને એ વાતનો અહેસાસ કરાવ્યો છે કે નિર્ભયા કાંડને એક દાયકાથીયે વધુ સમય થઈ ગયો હોવા છતાં કંઈ બદલાયું નથી. ભારતના ડૉક્ટરોમાં ૩૦ ટકા મહિલા અને નર્સોમાં ૮૦ ટકા મહિલા છે. મેડિકલ સ્ટાફ સાથે હિંસક ઘટનાઓમાં વધારો થયો છે. એમાં મહિલાઓ વધુ ટાર્ગેટ થાય છે. ૨૦૨૨થી મહિલાઓ સાથે થતા અપરાધના મામલામાં ૪ ટકાનો વધારો નોંધાયો છે. એમાંના ૨૦ ટકા બળાત્કાર અને છેડતીના છે. ભારતમાં ૨૦૨૨માં દરરોજના ૯૦ બળાત્કારના કેસ નોંધવામાં આવ્યા હતા. અમારે મહિલા તરીકે આ ઘટના બાબતે શું વિચારવાનું છે? આ ઘટના મગજમાં ઘુમરાઈ રહી હોય એવા સમયે અમે કામ પર કઈ રીતે જઈએ અથવા કઈ રીતે જીવીએ? તાજેતરમાં થયેલી ભયાવહ ઘટનાએ યાદ અપાવ્યું કે મહિલાઓ જાતે પોતાની સલામતીનો બોજ ઉઠાવી રહી છે. મહિલાઓ સાથે જે પ્રકારે અપરાધ વધી રહ્યા છે એને જોતાં હવે એવી આશા નથી રહી કે સ્થિતિમાં પરિવર્તન આવશે. આપણે એ યુવાન મહિલાને તો બચાવી ન શક્યા પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એની તો તકેદારી રાખી શકીએ છીએ. આવી અમાનવીય ઘટનાથી એક વાત સાબિત થઈ છે કે મૂળમાં જ ખામી છે અને જ્યાં સુધી એના મૂળમાં નહીં ઊતરીએ ત્યાં સુધી કાંઈ બદલાવાનું નથી.’