જમીન કૌભાંડ કેસમાં ગવર્નરના તપાસના આદેશ પર સ્ટે આપવાનો હાઈ કોર્ટનો ઇનકાર
મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા
મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (MUDA) લૅન્ડ સ્કૅમમાં કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોટે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સામે તપાસના આદેશને મંજૂરી આપી હતી અને એના વિરોધમાં હાઈ કોર્ટમાં સિદ્ધારમૈયાએ કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેન્ચે જણાવ્યું હતું કે ગવર્નરે ખૂબ જ વિચાર કર્યા બાદ અને કાનૂની પાસાંની છણાવટ બાદ તપાસનો આદેશ આપ્યો છે, આથી મુખ્ય પ્રધાનની પિટિશનને ડિસમિસ કરવામાં આવે છે.
બે અઠવાડિયાં પહેલાં કોર્ટે આપેલા આદેશના વિરોધમાં મુખ્ય પ્રધાન વતી પિટિશન કરનારા સિનિયર ઍડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીની પિટિશનને કોર્ટે ફગાવી હતી અને કહ્યું હતું કે મેં જ ઑર્ડર આપ્યો હતો અને હું એના પર સ્ટે આપી શકું નહીં.
ADVERTISEMENT
હાઈ કોર્ટના ચુકાદાના પગલે નીચલી કોર્ટમાં હવે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સામે ખટલો ચલાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. તેમની સામે હવે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) પણ નોંધવામાં આવશે. હાઈ કોર્ટે જ્યાં સુધી આ પિટિશન મુદ્દે ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ પગલાં નહીં લેવા આદેશ આપ્યો છે.
મુખ્ય પ્રધાન રાજીનામું આપે- BJP
ભારતીય જનતા પાર્ટી(BJP)ના સ્ટેટ પ્રેસિડન્ટ બી. વાય.વિજયેન્દ્રે માગણી કરી છે કે મુખ્ય પ્રધાન આ ભ્રષ્ટાચારમાં સીધા સામેલ છે અને તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.
હું કાનૂની નિષ્ણાતોની સલાહ લઈ રહ્યો છું કે કાયદામાં આવી તપાસની અનુમતિ છે કે નહીં. - મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા