ગાંધી નિર્વાણ દિનઃ બાપુ ઇચ્છવા માંડ્યા હતા કે તેમનું મૃત્યુ લોહિયાળ હોય
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ
આજના દિવસે જ નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળીએ દઇ દીધા હતા. આપણા રાષ્ટ્રપિતા, આપણા બાપુનો આજે નિર્વાણ દિન છે પણ શું તમે જાણો છો કે અહિંસા જેમના શ્વાસમાં વણાયેલી હતી તેવા ગાંધીજી ઇચ્છતા હતા કે તેમનું મૃત્યુ લોહિયાળ હોય? વિશ્વાસમાં ન આવે તેવી વાત છે પણ સંજોગો જ કંઇ એવા સર્જાયા કે ગાંધીજીએ આવું વિધાન કર્યું હતું.
કોંગ્રેસે ભારતના ભાગલા સ્વીકારી લીધી અને અહિંસાથી બ્રિટિશરોને તગેડી મુકનારા ભારતીયોમાં હિંસાનો જુવાળ પ્રસરે છે. કોમી રમખાણોના ભડકા થતા રહે છે. ગાંધીજી જાણે એકલા પડી ગયા હોય તેવું તેમને લાગે છે. મહાદેવભાઇ દેસાઇ અને કસ્તુરબા મૃત્યુ પામ્યા છે તો બીજી તરફ ગાંધીજીને રાજકારણીય એકલતા પણ કોરી ખાય છે. આ દિવસોમાં ગાંધીજી સતત પોતાના મૃત્યુની વાત કરે છે. તેમણે પોતાના સાથીઓને કહ્યું હતું કે જો હું કુદરતી રીતે મૃત્યુ પામીશ તો તમારે એમ જાહેર કરવું કે આ એક એવો માણસ હતો જે સત્યને અનુસરી ન શક્યો. તેઓ મનુને કહેતા કે, “એ તારી જવાબદારી રહેશે અને તારે જ બુમો પાડીને લોકોને કહેવું પડશે કે આ મહાત્મા ખોટો હતો.” ગાંધી પોતાના વ્હાલા દેશમાં ફાટી નિકળેલા રમખાણોને કારણે અહિંસાને સંકોચાતી સાંખી નહોતા શકતા. એમને માટે હિંસક થઇ ગયેલા પોતાના લોકો પચાવવા બહુ અઘરા હતા. ગાંધીજી માનવા માંડ્યા હતા કે જો તેમનું મૃત્યુ લોહિયાળ નહીં હોય, હિંસક નહીં હોય તો દેશમાં ફાટી નિકળેલી હિંસા નહીં અટકે. એક તરફ બાપુ હતાશામાં સરી રહ્યા હતા અને બીજી તરફ રાજકીય સામાજિક સ્થિતિ એવી ખડી થઇ હતી કે જાણે ઇશ્વર જ ચાહતા હતા કે ગાંધી અને ગોડસે સામ સામે આવી જાય. ગાંધીજી મૃત્યુંજય હતા? તેઓ એમ પણ કહેતા કે પ્રાર્થના સભામાંથી આવતા કે જતા તેમનું મૃત્યુ થશે તો તે આદર્શ હશે. ત્રણ ગોળી ઝીલીને ગાંધીએ હિંસાનો માર્ગ રોકી લીધો હતો, ઇશ્વરને સન્મુખ થવા માંગતા ગાંધીજીએ પોતાનો ક્રોસ જાતે જ ઉપાડ્યો.

