કૃષિ કાયદાને એક-બે વર્ષ લાગુ કરીને જુઓ: રાજનાથ સિંહ
કૃષિ ખરડા વિરોધી આંદોલન કરતા ખેડૂતોને તેમના મુદ્દા વિશે ચર્ચા માટે કેન્દ્ર સરકારના દ્વાર ખુલ્લા હોવાનું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે આંદોલનકારી ખેડૂતોને જણાવ્યું હતું. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આંદોલનકારી ખેડૂતોને સંબોધતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જો કૃષિ સુધારા ખરડા ખેડૂતોને લાભકારક ન લાગે તો તેમાં સુધારો કરવાની સરકારની તૈયારી છે.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ‘હું પોતે ખેડૂતનો દીકરો છું. તમે બધા મારા પરિવારના સભ્ય સમાન છો. નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ન હોય એવું કોઈ પગલું નહીં લે. તમે આ કૃષિ સુધારાને પહેલાં એકાદ બે વર્ષ માટે પ્રાયોગિક ધોરણે અપનાવો અને તમને જો એ લાભકારક ન જણાય તો એ કાયદામાં સુધારા પણ કરીશું. સંવાદથી બધા પ્રશ્નો ઉકેલાય છે અને મોદી સરકારના દ્વાર સંવાદ માટે હંમેશાં ખુલ્લા છે.’


