શૅરબજારના શિક્ષણના નામે ટ્રેડિંગ-ટિપ્સ આપતા ફિનફ્લુએન્સર્સ સામે SEBI કડક. તમામ આર્થિક વ્યવહારો અને ક્લાયન્ટ્સની વિગતો આપવાનો આદેશ
અવધૂત સાઠે
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) દ્વારા ભારતમાં મોટા પાયે ચાલી રહેલી ફિનફ્લુએન્સર એટલે કે સોશ્યલ મીડિયા પર ફાઇનૅન્સ સંબંધિત સલાહો આપતા લોકોની ઇકોસિસ્ટમ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુરુવારે ૪ ડિસેમ્બરે SEBIએ જાણીતા ફિનફ્લુએન્સર અવધૂત સાઠે અને તેમણે સ્થાપેલી ‘અવધૂત સાઠે ટ્રેડિંગ ઍકૅડેમી’ પર શૅરબજારમાં ટ્રેડિંગ માટે પ્રતિબંધિત મૂક્યો હતો એટલું જ નહીં, તેમના ૫૪૬ કરોડ રૂપિયાને ફ્રીઝ કરવાનો બૅન્કોને આદેશ પણ આપ્યો હતો.
ટ્રેઇનિંગ-સેશન્સમાં ડાન્સ સાથે ટ્રેડિંગની સલાહ આપવા માટે જાણીતા અવધૂત સાઠે પર આરોપ છે કે તેમની ઍકૅડેમી શૅરબજારનું શિક્ષણ આપવાના નામે રજિસ્ટ્રેશન વગર રોકાણકારોને સલાહ આપતી હતી અને રિસર્ચ-ઍનૅલિસ્ટ તરીકેનું કામ પણ કરતી હતી. આવા ટ્રેઇનિંગ-સેશન દરમ્યાન લાઇવ માર્કેટના ડેટાનો ઉપયોગ કરવામાં આવતો હતો અને લોકોને લાઇવ માર્કેટમાં લેવા-વેચવા માટે સલાહ પણ આપવામાં આવી હતી. આ સર્વિસને અવધૂત સાઠે જુદા-જુદા પ્રોગ્રામ્સના નામે વેચીને લોકો પાસેથી ભારેખમ ફી વસૂલતા હતા એવો આરોપ છે. સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી સાથેની લોભામણી જાહેરાતો આપીને તેમની ઍકૅડેમી રોકાણકારોને આકર્ષતી હતી અને આ રીતે તેમણે ૩.૪ લાખ રોકાણકારો પાસેથી ૬૦૧ કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી કરી હોવાનું પણ SEBIના રિપોર્ટમાં જણાવાયું હતું. જાહેરાતોમાં ઍકૅડેમી પ્રૉફિટ થયો હોય એવા ગણ્યાગાંઠ્યા જ ટ્રેડ દર્શાવતી હતી, જ્યારે હકીકત એનાથી સાવ ઊંધી હતી. એટલે કે તેમની પાસે ટ્રેડિંગ શીખનારા મોટા ભાગના રોકાણકારો નેટ લૉસમાં હોવાની માહિતી સામે આવી હતી. ઍકૅડેમીએ તેમના યુઝર્સના ટેસ્ટિમોનિયલ વિડિયોઝ શૅર કર્યા હતા જેમાં યુઝર્સ લાખો રૂપિયા કમાયા હોવાનો દાવો કરતા હતા, પણ SEBIની તપાસમાં એ જ યુઝર્સ કોર્સને અંતે પણ નેટ લૉસમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે માર્ચ ૨૦૨૪માં SEBIએ ઍકૅડેમીને સત્તાવાર રીતે ચેતવણી આપી હતી, તેમ છતાં ઍકૅડેમીએ ભ્રામક જાહેરાતો ચાલુ રાખી હતી. SEBIએ અવધૂત સાઠે અને તેમની ઍકૅડેમીને તેમના તમામ આર્થિક વ્યવહારો અને ક્લાયન્ટ્સની વિગતો આપવાનો આદેશ પણ આપ્યો હતો.
ADVERTISEMENT
શું બચાવ કર્યો ઍકૅડેમીએ?
આ બાબતે અવધૂત ટ્રેડિંગ ઍકૅડેમીએ સત્તાવાર નિવેદન બહાર પાડીને એવું જણાવ્યું હતું કે ‘SEBI દ્વારા કરવામાં આવેલા આરોપો ખોટા છે. SEBI દ્વારા અમારી ટ્રેડિંગની કામગીરી સમજવામાં ભૂલ થઈ છે. આ ઍકૅડેમી શૅરબજારનું શિક્ષણ આપે છે; રોકાણની સલાહ, માર્ગદર્શન કે ફન્ડ-મૅનેજમેન્ટ જેવી કોઈ સર્વિસ આપતી નથી.’


