ભારતમાં કર્મચારીઓને આૅફિસના સમય પછી નો કૉલ, નો ઈ-મેઇલનો અધિકાર મળશે?
સંસદના શિયાળુ સત્ર દરમ્યાન ગઈ કાલે લોકસભામાં બોલતાં સુપ્રિયા સુળે.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ગઈ કાલે લોકસભામાં રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ 2025 રજૂ કર્યું હતું, જે નોકરિયાતોને કામના કલાકો સિવાય ઑફિસના કૉલ અને ઈ-મેઇલનો જવાબ ન આપવાનો અધિકાર આપવાનો પ્રયાસ કરે છે. સુપ્રિયા સુળે દ્વારા રજૂ કરાયેલા આ બિલે ચર્ચા જગાવી છે, કારણ કે આજે વર્ક-લાઇફ બૅલૅન્સ એક મુખ્ય મુદ્દો બની ગયો છે. લોકો પરિવાર કરતાં ઑફિસના કામમાં વધુ સમય વિતાવી રહ્યા છે. જોકે મોટા ભાગનાં આવાં બિલ સામાન્ય રીતે સરકારના પ્રતિભાવ પછી પાછાં ખેંચી લેવામાં આવે છે.
સુપ્રિયા સુળેએ રજૂ કરેલા રાઇટ ટુ ડિસકનેક્ટ બિલમાં એમ્પ્લૉઈ વેલ્ફેર ઑથોરિટીની રચનાનો પ્રસ્તાવ છે. આ ઑથોરિટી કામદારો અને નોકરિયાતોના અધિકારોનું રક્ષણ કરશે અને કંપનીઓમાં સંતુલિત વર્ક અૅટમૉસ્ફિયર સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરશે. જો બિલ પસાર થાય તો કર્મચારીઓને એ કહેવાની મંજૂરી મળશે કે તેઓ ઑફિસ સમયની બહાર કરવામાં આવેલા કૉલ્સ અથવા ઈ-મેઇલનો જવાબ આપવા માટે બંધાયેલા નથી.
ADVERTISEMENT
બિલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપનીઓએ સ્પષ્ટપણે જણાવવું પડશે કે કર્મચારીઓનો વ્યક્તિગત સમય ઑફિસ સમય પછી શરૂ થાય છે અને એ સમય દરમ્યાન કોઈ પણ કાર્ય કે સંદેશવ્યવહાર બંધનકર્તા રહેશે નહીં. આ જ નિયમ રજાઓ પર લાગુ થશે.
અન્ય દેશોમાં પહેલેથી જ કાયદો
ઑફિસકામ પછી કર્મચારીઓને આરામ આપવાનો આ વિચાર નવો નથી. ઘણા દેશો પહેલેથી જ વર્ક-લાઇફ બૅલૅન્સ અંગે ખૂબ કડક છે અને આ કાયદો ત્યાં અમલમાં છે. ફ્રાન્સ, સ્પેન, બેલ્જિયમ અને પોર્ટુગલમાં આવા નિયમો છે. આ દેશો માને છે કે લાંબા સમય સુધી સતત ઑફિસકામ અને સતત ડિજિટલ કનેક્ટિવિટી કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય, ઊર્જા અને ઉત્પાદકતા પર નકારાત્મક અસર કરે છે. તેથી ડિસકનેક્ટ સમય કાયદેસર રીતે સુરક્ષિત છે, જે કામ કરતી વ્યક્તિઓને કોઈ પણ દબાણ વિના કામ પછી આરામ કરવાની મંજૂરી આપે છે.
ભારતમાં આવું બિલ બનશે ખરું?
આવાં બિલ ભારતમાં રજૂ કરવામાં આવે છે, પણ એ કાયદો બની શકતાં નથી. સુપ્રિયા સુળે દ્વારા ઉઠાવવામાં આવેલો મુદ્દો ખૂબ જ મહત્ત્વનો અને સંવેદનશીલ છે. કોરોના પછી કર્મચારીઓ પાસે ઘરેથી કામ કરવાના નામે વધુપડતું કામ કરાવવામાં આવ્યું છે અને કામ કર્યા પછી પણ ઑનલાઇન રહેવાની ફરજ પડી હોવાથી તેઓ ખૂબ જ થાકી ગયા છે. જો સરકાર આ મુદ્દા પર વ્યાપક ચર્ચા શરૂ કરે છે તો એ ભારતની કાર્યસંસ્કૃતિમાં મોટો ફેરફાર લાવી શકે છે. આ બિલ આ યુગમાં સીમાચિહ્નરૂપ પણ સાબિત થઈ શકે છે. રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ પર સરકારના પ્રતિભાવની હાલમાં રાહ જોવાઈ રહી છે.


