અયોધ્યાના રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પછીની પહેલી દિવાળીની તૈયારીઓ શરૂ: ચાઇનીઝ લાઇટોનો ઉપયોગ કરવામાં નહીં આવે: બે લાખ દીવાથી મંદિરની ભવ્ય સજાવટ કરવામાં આવશે
લાઇફ મસાલા
રામ મંદિરની ફાઇલ તસવીર
અયોધ્યામાં આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ થયેલી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ પહેલી દિવાળી છે એટલે મંદિરમાં બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને મંદિરમાં ભવ્ય લાઇટિંગ કરવામાં આવશે, પણ એમાં ચાઇનીઝ લાઇટોનો વપરાશ કરવામાં નહીં આવે. આ સિવાય રામલલા અને તેમના ભાઈઓને પણ ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલાં વસ્ત્રો પહેરાવવામાં આવશે. મુખ્ય મંદિર અને રામ જન્મભૂમિ પથ પર દીવા પ્રગટાવવામાં આવશે અને લાઇટો લગાવવામાં આવશે. દિવાળી નિમિત્તે મંદિરમાં તમામ આરતી વખતે ભગવાન માટે સ્પેશ્યલ ભોગ તૈયાર કરવામાં આવશે.
રામ જન્મભૂમિ સંકુલમાં કુલ બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે. જોકે દીવામાંથી નીકળતા તેલને કારણે કાળા ડાઘ પડતા હોવાથી ચોક્કસ જગ્યાઓ પર દીવા મૂકવામાં નહીં આવે, ત્યાં લાઇટો ગોઠવવામાં આવશે.
ADVERTISEMENT
રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ દિવાળીના દિવસે અન્ય પૂજારીઓ સાથે મળીને વેદિક પદ્ધતિથી પૂજા કરશે. મંદિર સંકુલને લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવશે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અગાઉ જાહેરાત કરી દીધી છે કે સરયુ તટે પચીસ લાખ દીવા પ્રગટાવીને દીપોત્સવ ઊજવી નવો વર્લ્ડ રેકૉર્ડ કરવામાં આવશે અને એની તૈયારીઓ પુરજોરમાં થઈ
રહી છે.